પહેલી મૅચની પહેલી જ ઓવરના પહેલા બે બૉલ પર કચ્છી યુવાને સિક્સ મારી અને...
ઝુબિન છેડા
વડાલામાં યોજાયેલી ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાશીમાં રહેતા ૩૪ વર્ષના ઝુબિન છેડાએ હાર્ટ-અટૅકથી જીવ ગુમાવ્યો
કચ્છના મોખા ગામના મુંબઈમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ જૈન ભાઈઓએ ગઈ કાલે વડાલાની સેન્ટ જોસેફ્સ હાઈ સ્કૂલની ટર્ફ પર મોખા સ્પોર્ટ્સ ડે અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. વાજતે-ગાજતે બધી ટીમો ગ્રાઉન્ડ પર આવી હતી. એ પછી મૅચ ચાલુ થઈ હતી. એમાં દિવસની પહેલી મૅચમાં ઓપનિંગમાં બૅટિંગ કરવા આવેલા વાશીના ૩૪ વર્ષના ઝુબિન છેડાએ પહેલા બે બૉલ પર બે સિક્સ મારી હતી. આવી ધમાકેદાર શરૂઆતથી લોકોને જલસો પડી ગયો હતો અને બધા જોશમાં આવી ગયા હતા. જોકે ત્રીજો બૉલ નખાય એ પહેલાં જ ઝુબિન ફસડાઈ પડ્યો હતો અને હાર્ટ-અટૅક આવવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. બે મિનિટ પહેલાંનો ચિચિયારીઓ અને આનંદ-ઉત્સવનો માહોલ અચાનક ગમગીનીમાં બદલાઈ ગયો હતો.
ADVERTISEMENT
ઝુબિનની આ શૉકિંગ વિદાયની ઘટનાની માહિતી આપતાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની સ્પોર્ટ્સ કમિટીના અગ્રણી દીપેશ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટર્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેવા સવારના આઠ વાગ્યાથી બધા પ્લેયર્સ, તેમના પરિવારના સભ્યો, સપોર્ટર્સ અને ગામવાસીઓ ગ્રાઉન્ડ પર આવવા માંડ્યા હતા. બધા બહુ ઉત્સાહમાં હતા. બ્રેકફાસ્ટ થયા બાદ એક પછી એક ટીમ વાજતે-ગાજતે નાચતી-ગાતી તેમના મેન્ટર અને ટીમ-ઓનર સાથે ગ્રાઉન્ડ પર આવી હતી. એ પછી સ્પૉન્સર્સ, કો-સ્પૉન્સર્સ એ બધાનું બહુમાન કરીને ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાં કુલ ત્રણ ટર્ફ છે. બે ટર્ફ પર પુરુષોની મૅચ હતી અને એક ટર્ફ પર મહિલાઓની મૅચ હતી. આ મૅચનો ટૉસ થયો અને તેઓ રમવા આવ્યા. દિવસની એ પહેલી જ મૅચ હતી. ઝુબિન બહુ ઉત્સાહમાં હતો. તેણે ઓપનિંગ કરવા ઊતરતાં પહેલાં સાથીઓને કહ્યું હતું કે હું સારું પર્ફોર્મ કરીશ. તે ભગવાનનું નામ લઈને બૅટિંગમાં ઊતર્યો હતો. તેણે પહેલા બૉલે સિક્સ મારી, બીજા બૉલે પણ સિક્સ મારી અને ત્રીજો બૉલ રમવા જાય એ પહેલાં તો તે ફસડાઈ પડ્યો હતો. મોખા યુથ ફોરમ નામની તેમની કમિટી છે. એ લોકોએ ઘણી ટ્રાય કરી. કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપ્યું, પમ્પિંગ કર્યું, માઉથ ટુ માઉથ શ્વાસ આપવાની પણ કોશિશ કરી. તેમણે બહુ ટ્રાય કરી કે તે રિવાઇવ થાય, પણ તે રિવાઇવ ન થયો એટલે તરત જ ટર્ફ સુધી ગાડી બોલાવીને કિંગ્સ સર્કલની કિકાભાઈ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’
મૂળ મોખાનો ઝુબિન છેડાનો પરિવાર વાશીના સેક્ટર ૯માં રહે છે. વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઝુબિનના પરિવારમાં પિતા રાજેન્દ્ર દામજી છેડા, મમ્મી મીનાબહેન, પત્ની ફોરમ અને પુત્ર યુવાનનો સમાવેશ થાય છે.
બે સિક્સ માર્યા પછી હાર્ટ-અટૅકની બીજી ઘટના
નાલાસોપારાનો વિજય પટેલ ગયા સોમવારે જ જાલનામાં ક્રિસમસ ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો ત્યારે બે બૉલમાં બે સિક્સ માર્યા પછી પિચ પર જ હાર્ટ-અટૅક આવવાને કારણે ફસડાઈ પડ્યો હતો. આમ બે સિક્સ માર્યા પછી એક્સાઇટમેન્ટ કે ફિઝિકલ એક્ઝર્શન કે જે કોઈ રીઝન હોય, હાર્ટ-અટૅક આવવાને કારણે અઠવાડિયામાં જ આ બીજું મૃત્યુ થયું છે.