લગ્ન માટે છોકરી જોવા નીકળેલો છોકરો આ નદી પાર કરવાના પ્રયાસમાં ડૂબી ગયો હોવાની આશંકા, ગાયબ થયાના ચોથા દિવસે પાંચ કિલોમીટર દૂરથી મૃતદેહ મળ્યો
નાશિકનો યુવક અને તેનો ચાર દિવસ બાદ નદીમાંથી મળી આવેલો મૃતદેહ.
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકામાં આવેલા ખોબળા દિગર ગામમાં રહેતો ૨૧ વર્ષનો યુવક વસંત સુરેશ માછી લગ્ન કરવા માટે ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા કેળધા ગામમાં રહેતી યુવતીને જોવા માટે મોટરસાઇકલ પર ગયા બુધવારે એકલો નીકળ્યો હતો. નાશિકના દિગર ગામ અને વલસાડના કેળધા ગામ વચ્ચે માત્ર પાર નામની નદી જ આવેલી છે. આ નદી પરનો પુલ ગણતરીની મિનિટમાં પાર કરી શકાય છે. આમ છતાં ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી પુત્ર વસંતનો ફોન ન આવતાં તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ચાર દિવસ શોધખોળ કર્યા બાદ પણ વસંતનો પત્તો નહોતો લાગ્યો. ચોથા દિવસે એટલે કે રવિવારે બપોર બાદ સ્થાનિક પોલીસે નદીના કિનારે એક મોટરસાઇકલ પડેલી જોઈ હતી, જેની તપાસ કરતાં એ વસંત માછીની હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે વસંતનો કોઈ જગ્યાએથી પત્તો નહોતો લાગ્યો. સાંજના સમયે મોટરસાઇકલ જ્યાંથી મળી હતી એનાથી પાંચેક કિલોમીટરના અંતરે નદીકિનારેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વસંત માછીના પરિવારજનોને આ મૃતદેહ બતાવતાં એ વસંતનો જ હોવાનું જણાઈ આવ્યું હતું. પરિવારજનોએ કહ્યું હતું કે વસંતનાં લગ્ન કરવાનાં છે એટલે તે બુધવારે વલસાડ જિલ્લાના કેળધા ગામમાં રહેતી યુવતી જોવા ગયો હતો. જોકે એ સમયે ખૂબ વરસાદ થતાં કદાચ તેણે નદી પાર કરતાં પહેલાં મોટરસાઇકલ બાજુમાં મૂકી હશે અને તે પાણીમાં તણાઈ ગયો હશે એવો પોલીસનો અંદાજ છે.