મહિલાએ ટીનેજર પાસેથી ફોન કરવા મોબાઇલ લીધો હતો, જે ભૂલથી પાણીમાં પડવાને લીધે ખરાબ થઈ જતાં ગુસ્સે ભરાયેલા કિશોરે તેમને માથામાં પથ્થર ફટકાર્યો, જેમાં તેમનું મૃત્યુ થયું
જીવ ગુમાવનારી મીરાબાઈ બોંઢારે.
મહારાષ્ટ્રના જળગાવ જિલ્લામાં ઘનસાવંગી તાલુકાના ટેંભી અંતરવલી ગામમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. ૪૧ વર્ષની મીરાબાઈ બોંઢારે નામની મહિલાનો મૃતદેહ પચીસ માર્ચે ખેતર નજીકના તળાવ પાસેથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ કરતાં જણાયું હતું કે મીરાબાઈની હત્યા પાડોશમાં રહેતા સાતમા ધોરણમાં ભણતા ૧૩ વર્ષના કિશોરે કરી છે. કિશોરને તાબામાં લીધા બાદ તેણે કહ્યું હતું કે મીરાબાઈને કોઈકને કૉલ કરવો હતો એટલે તેમણે તેની પાસેથી મોબાઇલ લીધો હતો. ફોન પર વાતચીત થઈ ગયા બાદ તેઓ મોબાઇલ પાછો આપતાં હતાં ત્યારે તેમના હાથમાંથી મોબાઇલ પાણીમાં પડી ગયો હતો. પાણીમાં પડવાને લીધે મોબાઇલ ખરાબ થઈ ગયો હતો. મીરાબાઈએ મોબાઇલ ખરાબ કરી નાખતાં ગુસ્સામાં આવીને કિશોરે તેમના માથામાં પથ્થર ફટકારી દીધો હતો. ત્યાર બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. પથ્થર વાગવાથી માથામાં ગંભીર ઈજા થવાથી મીરાબાઈ બોંઢારેનું મૃત્યુ થયું હતું. પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગામના લોકોની પૂછપરછ કરી હતી જેમાં મીરાબાઈના પાડોશમાં રહેતા કિશોર પર શંકા જતાં તેની પૂછપરછમાં આ હત્યાનો મામલો ઉકેલાયો હતો. પોલીસે કિશોરને તાબામાં લઈને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો છે. એક મોબાઇલ માટે ૧૩ વર્ષના કિશોરે મહિલાની હત્યા કરી હોવાના સમાચાર જાણ્યા બાદ જળગાવ જ નહીં આખા મરાઠવાડામાં અરેરાટી વ્યાપી ગઈ છે.

