શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે પ્રધાનપદેથી રાજીનામું આપ્યાનો ડ્રામા
મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાનમંડળના વિસ્તરણના પાંચ દિવસમાં જ શિવસેનાના નેતા અને રાજ્યના પ્રધાન અબ્દુલ સત્તારે રાજીનામું આપી દીધું હોવાના સમાચાર ગઈ કાલે વહેતા થયા હતા. કૅબિનેટ પ્રધાનપદ ન મળતાં તેમણે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું હોવાનું મનાતું હતું. એટલું જ નહીં, તેઓ વિધાનસભ્યપદેથી પણ રાજીનામું આપે એવી વાતો સૂત્રોએ ફેલાવી હતી. જોકે મોડી સાંજે અબ્દુલ સત્તારે સ્પષ્ટતા કરી હતી કે કોઈકે રાજીનામાની અફવા ફેલાવી છે. પોતે તમામ સવાલના જવાબ આજે એટલે કે રવિવારે શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ આપીશે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં સિલ્લોડના નેતા અબ્દુલ સત્તારે કૉન્ગ્રેસ છોડીને શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. કહેવાય છે કે તેમને સરકારમાં કૅબિનેટ પ્રધાનપદ આપવાની ઑફર કરાઈ હતી, પરંતુ નવી સરકારમાં તેમને રાજ્ય પ્રધાનપદ અપાતાં તેઓ નારાજ હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે.
અબ્દુલ સત્તારના પ્રધાનપદ પરથી રાજીનામાના સમાચાર સાથે શિવસેનાની મુશ્કેલીની શરૂઆત થવાના સમાચાર વહેતા થયા હતા. પક્ષમાં બધું બરાબર ન હોવાથી થોડા સમયમાં શિવસેનાની આગેવાનીની સરકાર પડી ભાંગવાની ચર્ચા પણ ચાલુ થઈ હતી.
ઔરંગાબાદ જિલ્લા પરિષદના અધ્યક્ષપદ માટેનો નિર્ણય લેતી વખતે શિવસેનાએ અબ્દુલ સત્તારને વિશ્વાસમાં ન લેવાતાં તેઓ નારાજ હોવાનું મનાતું હતું. આથી પણ તેમણે રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ઔરંગાબાદના સિલ્લોડ તાલુકામાં અબ્દુલ સત્તારનું વર્ચસ્વ છે. જિલ્લા પરિષદના સૌથી વધુ સભ્યો, પંચાયત સમિતિ, નગરપાલિકા વગેરે તેમની પકડમાં છે.
આખો દિવસ અબ્દુલ સત્તારે રાજીનામું આપ્યાના સમાચાર ચાલ્યા હતા ત્યારે શિવસેનાના નેતા અર્જુન ખોતકરે કહ્યું હતું કે રાજ્ય પ્રધાન અબ્દુલ સત્તારે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું નથી. પોતાના સમર્થકોને જિલ્લા પરિષદમાં પદ મળવા બાબતે તેમની નારાજગી હતી, પરંતુ હવે એ દૂર થઈ ગઈ છે. તેમણે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે સાથે આ બાબતે ફોન પર વાત કરી છે. હવે આજે બપોરે સાડાબાર વાગ્યે તેઓ ઉદ્ધવ ઠાકરેને મળવાના છે.
મોડી સાંજે ખુદ અબ્દુલ સત્તારે પોતાના રાજીનામાની કોઈકે અફવા ફેલાવી હોવાનું કહ્યું હતું. આ બાબતના તમામ સવાલના જવાબ હું ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ આપીશ.