વસઈ-વિરારની ટ્રાફિક પોલીસે નોટિસ ફટકારતાંની સાથે જ વાહનચાલકોએ દંડની રકમ ભરી દીધી : કોર્ટમાં જવા પહેલાં જ ૩૮ લાખ રૂપિયાનો ફાઇન જમા થઈ ગયો
ફાઇલ તસવીર
વાહનચાલકોએ ઈ-ચલાન કાર્યવાહીનો દંડ ભરવાથી હાથ ઉપર કરી લીધા હોય એવું જોવા મળી રહ્યું હોવાથી કરોડો રૂપિયાના દંડની રકમ બાકી છે. જોકે મુંબઈ ટ્રાફિક પોલીસનું કાર્યવાહી કરવાનું મુરત આવ્યું નથી એટલે હાલમાં ઍક્શન લેવાઈ નથી તેમ જ મુંબઈ ટ્રાફિક પોલીસ કરોડો રૂપિયાનાં ઈ-ચલાન માટે ક્યારે કાર્યવાહી કરશે એ પણ હજી નિર્ણય લેવાયો નથી. જોકે વસઈ-વિરાર ટ્રાફિક પોલીસે ઈ-ચલાન ભરવા માટે વાહનચાલકોને નોટિસ ફટકારતાં જ વસઈ-વિરારમાં ૭૪૨૩ વાહનચાલકોએ અંદાજે ૩૮ લાખ ૪૬ હજાર રૂપિયાનો દંડ ભરી દીધો હતો.
મુંબઈ સહિત એમએમઆર રીજનમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પર ઈ-ચલાન સિસ્ટમ દ્વારા લાદવામાં આવેલો દંડ ચૂકવતા દૂર ભાગતા હોવાથી દંડની રકમ કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આશરે ૨૧૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો બાકી હોવાથી ટ્રાફિક પોલીસ સમક્ષ પડકાર ઊભો થયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ દંડ વસૂલ કરવા વાહનચાલકોને ગણપતિ સુધી મુદત આપી હતી. હવે સીધી નોટિસ મોકલવામાં આવશે અને એ પછી પણ ૧૫ દિવસ અપાશે. આમ છતાં દંડ ભર્યો નહીં તો કોર્ટના દરવાજે જવું પડશે એવી સ્પષ્ટતા કરી હતી. જોકે ગણપતિ વિસર્જન બાદ રજાઓ આવી રહી હોવાથી કાર્યવાહી કરવાના શ્રીગણેશ થયા નથી.
ADVERTISEMENT
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં શિક્ષાત્મક કાર્યવાહીને કારણે ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચે અવારનવાર મામલો ગરમ બનતો હતો. આવા કિસ્સાઓને રોકવા માટે ઈ-કૅશ સિસ્ટમ લાગુ કરીને આ કાર્યવાહી ઇલેક્ટ્રૉનિક સ્વરૂપે કરવામાં આવી છે. આ ઈ-ચલાન મશીન દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હવે ઑનલાઇન કાર્યવાહી થઈ રહી હોવાથી ઘણા વાહનચાલકો દંડ ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે જેની અસર ટ્રાન્સપોર્ટ વિભાગ પર પડી રહી છે અને પરિણામે ટ્રાફિક વિભાગનો કરોડો રૂપિયાનો દંડ બાકી રહે છે. ટ્રાફિક પોલીસ વારંવાર આ દંડ ભરવા આહ્વાન કરે છે. આમ છતાં કોઈ પ્રતિસાદ મળતો નથી. વાહનચાલકો દંડ ભરવા માટે આગળ આવતા ન હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા આ કેસોની લોકઅદાલત યોજાય છે.
વસઈ-વિરાર ટ્રાફિક વિભાગ સર્કલ-ટૂ અને થ્રીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે અને એને સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો છે. એ પ્રમાણે ટ્રાફિક પોલીસે ઑનલાઇન પદ્વતિથી લગાડેલા ઈ-ચલાનના દંડને ભરવા માટે ટ્રાફિક પોલીસે વાહનચાલકોને એસએમએસ દ્વારા કોર્ટની નોટિસ મોકલી હતી, પરંતુ નોટિસ મળતાંની સાથે જ અનેક વાહનમાલિકો લોકઅદાલતમાં જતાં પહેલાં જ દંડ ભરવા દોડ્યા હતા. એથી વસઈ ટ્રાફિક વિભાગમાંથી ૫૬૪૬ વાહનચાલકો દ્વારા ૨૭ લાખ ૪૯ હજાર ૨૦૦ રૂપિયાનો દંડ અને વિરાર ટ્રાફિક વિભાગમાંથી ૧૭૭૭ કેસમાં ૧૦ લાખ ૯૬ હજાર ૮૦૦ રૂપિયાનો દંડ ભરવામાં આવ્યો હોવાની માહિતી ટ્રાફિક વિભાગ પાસેથી મળી છે.
કાર્યવાહીના ડરે ફાઇન ભરે છે
સર્કલ-ટૂના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાગર ઇંગોલેએ જણાવ્યું હતું કે ‘અમે હવે ઈ-ચલાનની કાર્યવાહી હાથ ધરવા છતાં દંડની ચુકવણી ન કરવાના કેસ લોકઅદાલતમાં દાખલ કરીએ છીએ, જેના કારણે આવા કેસોને ઉકેલવામાં ખૂબ મદદ મળવા લાગી છે. વાહનચાલકો કાર્યવાહી થશે એ ચિંતાએ ન ભરેલો દંડ ભરવા લાગ્યા છે.’
એક કરોડનો દંડ બાકી
ચાલુ વર્ષે વસઈ-વિરારમાં જાન્યુઆરીથી ઑગસ્ટ વચ્ચે ઈ-ચલાનના ૧૯,૦૦૦થી વધુ કેસમાં દોઢ કરોડ રૂપિયાથી વધુનો દંડ બાકી હતો. લોકઅદાલતને કારણે લગભગ ૩૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, પરંતુ એક કરોડ રૂપિયાનો દંડ હજી બાકી છે.
કાર્યવાહીના મૂડમાં નથી મુંબઈની ટ્રાફિક પોલીસ
ઈ-ચલાન વિશે માહિતી આપતાં મુંબઈ ટ્રાફિક પોલીસનાં ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રજ્ઞા જેડગે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટ્રાફિક પોલીસ ઈ-ચલાન દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરે છે. કાર્યવાહી બાદ પણ દંડ ભરવામાં આવતો નથી અને પરિણામે દંડની બાકી રકમની રકમ વધી રહી છે. ગણપતિ બાદ અમે કાર્યવાહીની શરૂઆત કરવાના હતા, પરંતુ ત્યાર બાદ અનેક રજાઓ આવી ગઈ હોવાથી કાર્યવાહીની શરૂઆત થઈ નથી.’
૧૪ દિવસમાં દંડ ચૂકવવાનો હોય છે
૨૦૧૯થી ઈ-ચલાન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. એથી ઈ-ચલાન મશીન દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. એને ટ્રાફિક પોલીસની મહાટ્રાફિક નામની ઍપ પર જઈને ૧૪ દિવસની અંદર ઑનલાઇન ભરવાનો હોય છે, પરંતુ વાહનચાલકો આ દંડ ભરવાની અવગણના કરે છે. આ વર્ષે એટલે કે ૨૦૨૩ના જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનાના સમયગાળામાં મુંબઈ મેટ્રોપૉલિટન વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરવાનો બાકી છે. આંકડા પર નજર નાખીએ તો એમાં મુંબઈ (૧૬૪ કરોડ ૭૨ લાખ રૂપિયા), થાણે (૪૬ કરોડ ૪૯ લાખ ૪૩ હજાર ૫૦ રૂપિયા), વસઈ-વિરાર (૧ કરોડ ૪૧ લાખ ૪ હજાર ૯૫૦ રૂપિયા), મીરા-ભાઈંદર (૧ કરોડ ૧૮ લાખ ૭૩ હજાર ૪૦૦ રૂપિયા) અને પાલઘર (૩૩ લાખ ૩૫ હજાર ૪૦૦ રૂપિયા)નો સમાવેશ થાય છે. એથી મુંબઈ સહિત એમએમઆર રીજન મળીને કુલ અંદાજે ૨૧૪ કરોડ ૧૪ લાખ ૫૬ હજાર ૮૦૦ રૂપિયાનો દંડ બાકી છે.