બજેટની વિગતોનું લીકેજ થયું નથી : દેવેન્દ્ર ફડણવીસ
ફાઈલ ફોટો
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ‘બજેટની વિગતોનું લીકેજ થયું નથી. સરકાર બજેટ વિશે સોશ્યલ મીડિયા પર તાજા અપડેટ્સ પ્રસારિત કરતી હોવાથી વિરોધ પક્ષોમાં ગેરસમજ ફેલાઈ છે. નાણાપ્રધાન બજેટ રજૂ કરતા હતા, એ વખતે બજેટની મહત્વપૂર્ણ જોગવાઈઓ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવતી હતી.’
નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે વિધાનસભામાં અને રાજ્ય કક્ષાના નાણાપ્રધાન દીપક કેસરકરે વિધાન પરિષદમાં બજેટની જોગવાઈઓ રજૂ કરી હતી. એ વખતે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ ગૃહમાં પ્રસ્તુતિ વેળા લીકેજની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે બીએમસી મુંબઈમાં રેડીમેડ બ્રિજ બનાવશે?
મહારાષ્ટ્ર વિધાનસભામાં નાણાપ્રધાન વર્ષ ૨૦૧૯-૨૦નું એડિશનલ બજેટ રજૂ કરતા હતા, એ જ વખતે બજેટની જોગવાઈઓના લીકેજનો આરોપ મૂકતાં વિરોધ પક્ષોએ ધાંધલ મચાવીને સભાત્યાગ કર્યો હતો. એ વખતે મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘બજેટની એક પણ વિગત અગાઉથી શૅર કરવામાં આવી નહોતી. અમે નવા માધ્યમનો ઉપયોગ કરીને જનતાને ઝડપથી અપડેટ્સ મોકલતા હતા. નાણાપ્રધાનના ભાષણમાં જે સમયે વિગત જણાવાય ત્યાર પછી ત્રણ મિનિટે એનું પ્રસારણ ટ્વિટર પર કરવામાં આવતું હતું. વિપક્ષોએ નવી ટેકનૉલૉજીથી ટેવાઈ જવાની અને એનો સદુપયોગ કરવાની જરૂર છે.’