ગયા વર્ષે બનેલા આવા બનાવોમાં રેલવેએ કારણ વિના ચેઇન-પુલિંગ કરનારા ૮૧૭૬ લોકો સામે કાર્યવાહી કરીને ૫૫.૮૬ લાખનો દંડ વસૂલ્યો
દાદર રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે ટિકિટચેકર્સે ટિકિટ તપાસવાની સઘન ઝુંબેશ હાથ ધરી હતી. તેમણે ગણતરીના સમયમાં જ વગર ટિકિટે કે ફર્સ્ટ કે એસીની ટિકિટ કે પાસ ન હોવા છતાં એમાં પ્રવાસ કરનારા ૪૯૭ પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી હતી.
મુંબઈ : વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની મુંબઈમાં દોડતી લોકલ તેમ જ બહારગામની ટ્રેનોમાં ઇમર્જન્સી જણાય તો દરેક ડબ્બામાં રાખવામાં આવેલી ચેઇન ખેંચીને ટ્રેન રોકવાની વ્યવસ્થા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોને આવરી લેતી બંને રેલવેલાઇનમાં ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧૨,૯૭૯ લોકોએ ચેઇન-પુલિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સેન્ટ્રલ લાઇનમાં ૯,૦૪૯ લોકોએ તો વેસ્ટર્ન લાઇનમાં ત્રીજા ભાગના એટલે કે ૩,૯૩૦ પ્રવાસીઓએ ચેઇન ખેંચીને ટ્રેનો રોકાવી હતી. રેલવેના કહેવા મુજબ આમાંથી ૮,૧૭૬ લોકોએ કોઈ કારણ વિના ટ્રેનો થોભાવી હતી એટલે તેમની સામે રેલવે પોલીસની મદદથી કાર્યવાહી કરીને ૫૫.૮૬ લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ લોકલ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ઇમર્જન્સી દરમ્યાન ટ્રેન રોકવા માટેની ચેઇન ખેંચવાના ગયા વર્ષે બનેલા બનાવમાં જણાઈ આવ્યું છે કે પ્રવાસીઓએ પ્લૅટફૉર્મ પર મોડા પહોંચવાથી તેમ જ બે સ્ટેશનોની વચ્ચે ઊતરવા માટે આ સુવિધાનો ખોટો ઉપયોગ કર્યો હતો. લોકલ ટ્રેનોની વાત કરીએ તો આવું થવાથી એક કે બે પ્રવાસીને કારણે ટ્રેનો મોડી પડે છે અને હજારો મુસાફરોએ સહન કરવું પડે છે. પ્રવાસીઓ આવું ન કરે એ માટે તેમને ચેતવણી આપવામાં આવે છે અને કારણ વિના ટ્રેન રોકવી એ રેલવેના કાયદાની કલમ ૧૪૧ હેઠળ ગુનો બને છે એવું સમજાવવામાં આવે છે. આમ છતાં ગયા વર્ષે ચેઇન ખેંચીને ટ્રેન રોકવાના ૧૨,૯૭૯ બનાવ નોંધાયા હતા.