બપોરે અઢી વાગ્યે જમીનનું પંચનામું કરનારાઓ પર ત્રણ રાઉન્ડ ગોળીઓ છોડવાથી ખળભળાટ: આઠ લોકોને ઈજા
ફાયરિંગ બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી હતી.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની હદમાં આવેલા નાયગાંવના વાકીપાડામાં ગઈ કાલે જમીનનું પંચનામું કરી રહેલા લોકો પર ગન સાથે ધસી આવેલા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ત્રણ વ્યક્તિને ગોળી વાગી છે, જ્યારે બાકીના લોકોને ગોળીના ઊડેલા સેલથી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જખમીઓને વસઈ અને મીરા રોડની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. ફાયરિંગ કરનારાઓ પલાયન થઈ જતાં પોલીસે તેમને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે. ધોળે દિવસે આ ઘટના બનવાથી ખળભળાટ મચી ગયો છે.
નાયગાંવ પોલીસના જણાવ્યા મુજબ નાયગાંવના બાપાને નજીકના વાકીપાડામાં જમીનના વિવાદને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. એ દરમ્યાન મેઘરાજ ભોઇર નામની વ્યક્તિએ તેની પાસેની શિકાર કરવા માટેની બંદૂકમાંથી ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં સંજય જોશીના ખભામાં તો બીજી બે વ્યક્તિને સાથળ અને હાથમાં ગોળી વાગી હતી, જ્યારે બાકીના લોકોને ગોળીના ઊડેલા સેલ વાગવાથી ઈજા થઈ હતી. મારપીટ અને ફાયરિંગની આ ઘટનામાં કેટલાંક વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને વિવિધ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.