જોકે ૨,૦૫,૭૭૨ ગણેશમૂર્તિઓ સામે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી મૂર્તિઓની ટકાવારી ૩૭ ટકા જ હતી. બાકીની ૬૩ ટકા મૂર્તિઓનું નૈસર્ગિક તળાવોમાં વિસર્જન કરાયું હતું
૭૬,૭૦૯ મુંબઈગરાઓએ કર્યું કૃત્રિમ તળાવોમાં ગણેશ-વિર્સજન
મુંબઈ : દસ દિવસ સુધી રંગેચંગે પૂજા-અર્ચના કર્યા બાદ ગુરુવારે મુંબઈગરાઓએ ગણપતિબાપ્પાને ધામધૂમથી વિદાય આપી હતી. બીએમસીએ શહેરમાં ઊભાં કરેલાં ૧૯૯ કૃત્રિમ તળાવોમાં ૭૬,૭૦૯ જેટલા મુંબઈગરાઓએ તેમના લાડકા બાપ્પાનું વિસર્જન કર્યું હતું. જોકે ૨,૦૫,૭૭૨ ગણેશમૂર્તિઓ - જેમાં ૧૦,૫૦૧ સાર્વજનિક મૂર્તિઓ પણ આવી ગઈ - એની સામે એ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી મૂર્તિઓની ટકાવારી ૩૭ ટકા જ હતી. બાકીની ૬૩ ટકા મૂર્તિઓનું નૈસર્ગિક તળાવોમાં વિસર્જન કરાયું હતું. જોકે એ ૩૭ ટકા ગયા વર્ષની સરખામણીએ સહેજ જ વધારે હતા, કારણ કે ગયા વર્ષે એ ટકાવારી ૩૪ ટકા હતી. ગયા વર્ષે કુલ ૧,૯૩,૦૬૨ મૂર્તિઓ સામે ૬૬,૧૨૭ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરાયું હતું. અપવાદરૂપે કોવિડકાળમાં અનેક શ્રદ્ધાળુઓએ ઘરમાં જ ગણપતિની નાની મૂર્તિઓ બનાવીને કૃત્રિમ તળાવમાં એમનું વિસર્જન કર્યું હતું. એ વખતે ટકાવારી ૪૮થી ૫૦ ટકા જેટલી હતી.
બીએમસી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ બાબતે કહેવાયું છે કે ‘આ એકદમ સચોટ આંકડા નથી, પણ જે મૂર્તિઓ વિસર્જન માટે આવતી હતી એમની ગણતરીના આધારે આ આંકડા કાઢવામાં આવ્યા છે. આના કારણે અમારે વિસર્જન-સ્થળે શું-શું તૈયારીઓ કરવી, કઈ રીતની વ્યવસ્થા ગોઠવવી એનો અંદાજ આવે છે.’
બીએમસી દ્વારા ૩૦૦ કૃત્રિમ તળાવો બનાવવાનું લક્ષ્ય હતું, પણ જગ્યાના અભાવને કારણે માત્ર ૨૦૦ જેટલાં જ કૃત્રિમ તળાવો ઊભાં કરી શકાયાં હતાં. બીએમસી દ્વારા નૈસર્ગિક વિસર્જન સ્થળો જેવાં કે ગિરગામ ચોપાટી, જુહુ ચોપાટી અને મુંબઈમાં આવેલાં કેટલાંક તળાવોમાં પણ ગણેશ-વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં લાઇટો સાથે તરાપા અને લાઇફગાર્ડ્સ સહિતની અન્ય વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી. લાખો ભક્તોની ભીડ ઊમટી હોવા છતાં કોઈ ખાસ દુર્ઘટના બની નહોતી કે અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.