ઑલ ઇન્ડિયા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા જૈન ધર્મનું નૉલેજ મેળવવા શ્રાવકો રસ લેતા થાય એવા આશયથી આજથી શરૂ થઈ રહેલી નવતર યોજનામાં આટલા યુવાનો જોડાયા
પાઠશાળામાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરનાર કેટલાંક બાળકો.
જૈન ધર્મનું જ્ઞાન મેળવવા માટે જૈનો રસ લેતા થાય એવા આશયથી ઑલ ઇન્ડિયા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ‘હમ ચલે પાઠશાલા...’ યોજના જાહેર કરવામાં આવી હતી. એમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં એટલે કે ૭૦ હજારથી વધુ જૈનોએ નામ નોંધાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. એમાં પણ નોંધનીય વાત એ છે કે પાઠશાળાથી વિમુખ થઈ રહેલા બારથી ત્રીસ વર્ષના ૨૨,૦૦૦થી વધુ યુવાનોએ પાઠશાળામાં જવામાં રસ દાખવ્યો છે. બીજું, આ યોજનાથી પાઠશાળામાં જનારાઓની સંખ્યામાં તો વધારો થયો છે, સાથે-સાથે પંજાબ અને જાલંધર જેવાં સ્થળોમાં એક પણ પાઠશાળા નહોતી ત્યાં પણ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જિન શાસનનું ઉજ્જ્વળ ભાવિ નિર્માણ કરવાના આશયથી સમકિત ગ્રુપ દ્વારા જૈનાચાર્ય અભયશેખરસૂરિ મહારાજસાહેબના શિષ્ય હેમશેખરવિજય મહારાજસાહેબ (સાહેબજી બચુભાઈના નામે પણ ઓળખાય છે)ની પ્રેરણાથી ‘હમ ચલે પાઠશાળા’ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. ૧૧ જૂન, ૨૦૨૨થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાનની યોજનામાં ૬થી ૬૦ વર્ષના વિદ્યાર્થીઓ દેશભરની ૧૫૦૦ જેટલી પાઠશાળામાં જોડાય અને એક કરોડથી વધુ નવી ગાથાનાં શિખર સિદ્ધ કરે એવી સંઘની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. પહેલું ઇનામ મેળવનાર લકી સ્ટુડન્ટનું એક કરોડ રૂપિયા કૅશથી બહુમાન કરવામાં આવશે. ઉપરાંત આ સ્કીમમાં ૧૨૫થી વધુ હાજરી અને ૬૮થી વધુ ગાથા કંઠસ્થ કરવાનું ધ્યેય પ્રાપ્ત કરનારા પ્રત્યેક વિદ્યાર્થીને ૨૭૦૦ રૂપિયાની કિંમતની શ્યૉર ગિફ્ટ અપાશે. એ સિવાય પહેલી લકી પાઠશાળાના શિક્ષકોને ૧૦ લાખ રૂપિયા કૅશ ઇનામ તરીકે આપવામાં આવશે. આજથી દેશભરમાં એક સાથે પાઠશાળાઓ શરૂ થશે.
૧૫૦૦ પાઠશાળા, ૭૦ હજાર રજિસ્ટ્રેશન
‘હમ ચલે પાઠશાલા…’માં જોડાવાની ડેડલાઇન ૩૧ મેએ પૂરી થઈ હતી, પરંતુ બાદમાં પણ દેશભરમાંથી રજિસ્ટ્રેશન માટેની વિનંતી કરાતાં ૭ જૂન સુધી ડેડલાઇન લંબાવવામાં આવી હતી. આ વિશે સમકિત ગ્રુપ-ગોરેગામ (મુંબઈ)ના અલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતભરના દરેક શહેર અને ગામમાં પાઠશાળાના માધ્યમથી જૈન શાસનની યુવા પેઢીનું સંઘ સાથે જોડાણ થાય, તેમને કલ્યાણ મિત્રોની સંગત થાય અને જૈન શાસનના ભવ્ય ઇતિહાસનું સર્જન થાય એ માટેનું આ આયોજન છે. ૭ જૂન સુધીમાં દેશભરમાંથી ૭૦ હજારથી વધુ જૈનોએ પાઠશાળામાં જોડાવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજથી દેશભરની ૧૫૦૦ જેટલી પાઠશાળામાં ત્રણ શિફ્ટમાં જૈન ધર્મનું શ્રુત જ્ઞાન આપવાની શરૂઆત થશે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૬૩ દિવસ ચાલશે. આ સ્કીમથી પાઠશાળામાં જનારાઓની સંખ્યામાં તો વધારો થયો છે, પણ સાથે-સાથે પંજાબ કે જાલંધર જેવા શહેરમાં એક પણ પાઠશાળા નહોતી ત્યાં આવતી કાલથી નવી પાઠશાળા શરૂ થઈ રહી છે.’
ADVERTISEMENT
૨૨,૧૩૫ યુવાનો જોડાયા
‘હમ ચલે પાઠશાળા’ સ્કીમ ૧૧ જૂન, ૨૦૨૨થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન ચાલશે, જેમાં ભાગ લેવા માટે ૬થી ૬૦ વર્ષનાં યુવક-યુવતીઓ કે મહિલા-પુરુષો મળીને કુલ ૭૦ હજારથી વધુ જૈનો જોડાયા છે. આમાં ખાસ વાત એ છે કે બાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમરના ૨૨,૧૩૫ યુવાનો જોડાયા છે, જે સામાન્ય રીતે પાઠશાળામાં ઓછા જતા હોય છે. તેમણે પણ આ વખતે રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવનારા છથી ૬૦ વર્ષના તમામ જૈનોને ૧૨૫થી વધુ અટેન્ડન્સ અને ૬૮થી વધુ ગાથા કંઠસ્થ કરવાનો ટાર્ગેટ અપાયો છે. આવતા વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ પાઠશાળાની સ્કીમ પૂરી થયા બાદ એનો ભવ્ય કાર્યક્રમ માર્ચ મહિનામાં રાખવામાં આવશે, જેની માહિતી બાદમાં જાહેર કરાશે.
પહેલું ઇનામ એક કરોડ રૂપિયા
‘હમ ચલે પાઠશાળા’ સ્કીમમાં ૧૦૮ લકી સ્ટુડન્ટ્સ અને ૧૦૮ લકી પાઠશાળાને કૅશ પ્રાઇઝ આપવામાં આવશે. ફર્સ્ટ લકી સ્ટુડન્ટને એક કરોડ રૂપિયા, એ પછીના પાંચ લકી સ્ટુડન્ટ્સને એક લાખ રૂપિયા, એ પછીના સાત લકી સ્ટુડન્ટ્સને ૫૦,૦૦૦ રૂપિયા, એ પછીના નવ લકી સ્ટુડન્ટ્સને ૨૫,૦૦૦ રૂપિયા, ત્યાર બાદના ૩૬ લકી સ્ટુડન્ટ્સને ૧૫,૦૦૦ રૂપિયા અને ૫૦ લકી સ્ટુડન્ટ્સને ૧૦,૦૦૦ રૂપિયા કૅશ પ્રાઇઝ અપાશે. આવી જ રીતે પહેલી લકી પાઠશાળાને ૧૦ લાખ રૂપિયા (શિક્ષકોમાં સરખે ભાગે વહેંચાશે), એ પછીની પાંચ લકી પાઠશાળાને એક લાખ રૂપિયા, એ બાદની સાત લકી પાઠશાળાને ૫૦,૦૦૦ રૂપિયા, એ પછીની નવ લકી પાઠશાળાને ૨૫,૦૦૦ રૂપિયા, ત્યાર બાદની ૩૬ લકી પાઠશાળાને ૧૫,૦૦૦ રૂપિયા અને અંતમાં ૫૦ લકી પાઠશાળાને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ અપાશે. ઉપરાંત ૨૦૦ મહિલા અને ૨૦૦ પુરુષને તેમના પર્ફોર્મન્સના આધારે સ્પેશ્યલ ગિફ્ટ અપાશે.