સાઇબર ગઠિયાએ કહતા ભી દીવાના, સુનતા ભી દીવાના જેવી લાલચ આપીને ડોમ્બિવલીના બે વેપારીઓ પાસેથી ૧,૩૧,૩૯,૪૭૪ રૂપિયા તફડાવી લીધા
Cyber Crime
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીમાં રહેતા એક ગુજરાતી સહિત બે વેપારીઓને શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ૭૦૦ ટકા પ્રૉફિટની લાલચ આપીને ૧,૩૧,૩૯,૪૭૪ રૂપિયા ગઠિયાએ તડફાવી લીધા હોવાની ફરિયાદ ડોમ્બિવલીના માનપાડા અને તિલકનગર પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. હાર્દિક શાહના નામે ઓળખ આપનાર સાઇબર ગઠિયાએ પલાવા સિટીમાં રહેતા ૪૭ વર્ષના ગુજરાતી વેપારી પાસે ઑગસ્ટથી નવેમ્બર દરમ્યાન ૮૨,૬૧,૯૭૪ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. એવી જ રીતે પાર્થલી રોડ પર રહેતા બાવન વર્ષના વેપારી પાસેથી જુલાઈથી ઑક્ટોબર સુધીમાં ૪૮,૭૭,૫૦૦ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સાઇબર ગઠિયાએ જે બૅન્કખાતાંમાં પૈસા સ્વીકાર્યા હતા એ તમામ અકાઉન્ટ્સ ખાલી કરી નાખ્યાં છે એમ જણાવતાં માનપાડા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર દત્તાત્રય ગુંડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑગસ્ટની શરૂઆતમાં ફરિયાદીને VIP સ્ટ્રૅટેજી નામના વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યા હતા. એમાં શૅરટ્રેડિંગ વિશેના મેસેજો સતત આવી રહ્યા હતા. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર તરીકે ઓળખ આપનાર હાર્દિક શાહે માત્ર પાંચ મહિનામાં ૭૦૦ ટકા રિટર્નની ગૅરન્ટી આપતો મેસેજ ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો. ફરિયાદી એ માટે તૈયાર થતાં વૉટ્સઍપ પર લિન્ક મોકલી મૅક્સ નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ૯ ઑગસ્ટથી ૧૫ નવેમ્બર દરમ્યાન ૮૨,૬૧,૯૭૪ રૂપિયા રોકાણના નામે લેવામાં આવ્યા હતા. હાલમાં ફરિયાદીએ પોતાના પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે એ ન નીકળતાં છેતરપિંડી સમજાઈ જતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી.’
ADVERTISEMENT
હાર્દિક શાહે ૭૦૦ ટકા રિટર્નની લાલચ આપીને ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી પણ પૈસા પડાવી લીધા હતા એમ જણાવતાં તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જુલાઈથી ઑક્ટોબરના અંત સુધીમાં એ જ કાર્યપદ્ધતિથી ૪૮,૭૭,૫૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ અમે નોંધી છે.