મીરા-ભાઈંદર પોલીસ કમિશનરેટમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવાનો સપાટો બોલાવવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મીરા-ભાઈંદર પોલીસ કમિશનરેટમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવાનો સપાટો બોલાવવામાં આવ્યો છે. પાંચ સિનિયર ઇન્સ્પેક્ટર સહિત ૬૪ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અચાનક બદલી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પાંચ સિનિયર ઇન્સ્પેક્ટર, ૧૬ ઇન્સ્પેક્ટર, ૧૬ સબ-ઇન્સ્પેક્ટર અને ૩૦ અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને મીરા-ભાઈંદર પોલીસ કમિશનરેટમાં આવેલાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી કરવાનો આદેશ કમિશનર મધુકર પાંડે દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં ગઈ કાલે કાશીમીરા, વિરાર, નવઘર, પેલ્હાર, કાશીગાંવ વગેરે પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી. આ સિવાય આ પોલીસ કમિશનરેટનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં તહેનાત ૫૯ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરોની પણ એકથી બીજા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી
ADVERTISEMENT
૧૫ લાખની લાંચ સ્વીકારતાં પોલીસ રંગેહાથ પકડાયો
એક તરફ પોલીસમાં મોટા પાયે બદલી થઈ હતી ત્યારે બીજી બાજુ ભાઈંદરના એક પોલીસની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. થાણે ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા ભાઈંદર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા પોલીસ હવાલદાર ગણેશ વળવેની ૧૫ લાખ રૂપિયાની લાંચ લેવા બદલ બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે જેના વતી આ લાંચ લેવામાં આવી હતી એ આર્થિક ગુના શાખાના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર શેલાર પલાયન થઈ ગયા હોવાનું પોલીસે કહ્યું હતું. થાણે એસીબીએ નોંધેલી ફરિયાદ મુજબ આર્થિક ગુના શાખાના એક કેસના આરોપી અને તેના અસીલને જામીન મેળવી આપવા અને ધરપકડ ન કરવા માટે પલાયન થઈ ગયેલા ઇન્સ્પેક્ટર મહેન્દ્ર શેલારે ૫૦ લાખ રૂપિયાની લાંચ માગી હતી. જોકે બાદમાં ૩૫ લાખ રૂપિયામાં સોદો થયો હતો. ફરિયાદી આ રકમ આપવા ન માગતો હોવાથી તેણે એસીબીમાં લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આથી એસીબીએ છટકું ગોઠવીને હવાલદાર ગણેશ વળવેને ૧૫ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. બુધવારે રાત્રે આ રકમ સ્વીકારતી વખતે એસીબીએ ગણેશ વળવેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.