આચારસંહિતાના ભંગ થવાની ફરિયાદ લોકો આસાનીથી કરી શકે એ માટે cvigil મોબાઇલ-ઍપ બનાવવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા અમલમાં છે ત્યારે ગઈ કાલ સુધી રાજ્યભરમાં આચારસંહિતાના ભંગની ૬૩૮૨ ફરિયાદ મળવાની સાથે કુલ ૫૩૬ કરોડ રૂપિયાની રોકડ રકમ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું રાજ્યના ચૂંટણીપંચે જાહેર કર્યું હતું. ચૂંટણીપંચના અધિકારીના જણાવ્યા મુજબ આચારસંહિતા ભંગ થવાની મળેલી ફરિયાદોમાંથી એકને બાદ કરતાં બાકીની ૬૩૮૧ ફરિયાદનો નિવેડો લાવવામાં આવ્યો છે. મતદારોને પોતાની તરફ કરવા માટે રોકડ રકમ, દારૂ, ડ્રગ્સ અને કીમતી વસ્તુઓ વહેંચવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ મોટા પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. મતદાનને હવે ચાર જ દિવસનો સમય બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ વિવિધ રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટેના પ્રયાસ કરવામાં આવે છે એના પર ધ્યાન રાખવા માટે ચૂંટણીપંચ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આચારસંહિતાના ભંગ થવાની ફરિયાદ લોકો આસાનીથી કરી શકે એ માટે cvigil મોબાઇલ-ઍપ બનાવવામાં આવી છે.