વેસ્ટર્ન રેલવેના અપગ્રેડેશનનું કામ આખરે ડિસેમ્બરથી શરૂ થશે. આવનારાં ચાર વર્ષમાં વિરાર સુધી ૬ અને દહાણુ સુધી ૪ પૅરૅલલ લાઇન બનાવવાની યોજના છે.
૪ વર્ષમાં વિરાર સુધી ૬ અને દહાણુ સુધી ૪ ટ્રૅક તૈયાર થઈ જશે
મુંબઈ : વેસ્ટર્ન રેલવેના અપગ્રેડેશનનું કામ આખરે ડિસેમ્બરથી શરૂ થશે. આવનારાં ચાર વર્ષમાં વિરાર સુધી ૬ અને દહાણુ સુધી ૪ પૅરૅલલ લાઇન બનાવવાની યોજના છે. વિરાર-દહાણુ લાઇન પર ૨૦૨૫ની ડેડલાઇન સાથે ૨૧ ટકા કામ પૂરું થયું છે અને બોરીવલી-વિરારનું કામ ૨૦૨૭માં વર્ષની ડેડલાઇન સાથે પહેલી ડિસેમ્બરે શરૂ થયું છે. હાલમાં વિરાર અને દહાણુ વચ્ચે અપ અને ડાઉન ટ્રેનો માટે માત્ર બે લાઇન, બોરીવલી અને વિરાર વચ્ચે ચાર લાઇન અને ગોરેગામ અને ખાર વચ્ચે છ લાઇન છે.
મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ના ઑફિસરોએ જણાવ્યું હતું કે ‘બોરીવલી-વિરાર પ્રોજેક્ટ માટે મૅન્ગ્રોવ ફૉરેસ્ટની જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી સાથે બંને પ્રોજેક્ટ હાથ પર હતા. બોરીવલી-વિરારની પાંચ અને છ લાઇન પ્રોજેક્ટ પર કામ હવે શરૂ થઈ ગયું છે. પ્રોજેક્ટની મંજૂર કિંમત ૨,૧૮૪.૦૨ કરોડ રૂપિયા છે અને ૨૦૨૭નો ડિસેમ્બર મહિનો કામ પૂરું કરવાની ડેડલાઇન છે. બોરીવલી અને વિરાર વચ્ચેનાં સાત સ્ટેશનો પર આ કામ માટે સ્ટેશન બિલ્ડિંગ, ઑફિસ તથા ગોડાઉન સ્થળાંતરિત કરવાં પડશે. ૧૨.૭૮ હેક્ટર જમીન માટે ફૉરેસ્ટ-ક્લિયરન્સની પ્રપોઝલ પણ બે શરતો પર મંજૂર કરવામાં આવી છે : રાજ્યના વનવિભાગ અને એમઆરવીસી વન્યજીવન વ્યવસ્થાપન યોજના તૈયાર કરે અને જમીન ધોવાણ માટેના શમનનાં પગલાં પર વિગતવાર નોંધ તૈયાર કરે. બિલ્ડિંગને ટ્રાન્સફર કરવા માટે ટેન્ડર્સ આપવામાં આવ્યાં છે તથા ફુટ ઓવરબ્રિજ અને પ્લૅટફૉર્મ માટેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વિરાર-દહાણુ પ્રોજેક્ટનું ૩,૫૭૮ કરોડના ખર્ચ સાથે ૨૧ ટકા કામ થઈ ગયું છે.’