જવાબ જાણીને ડિપ્રેશન આવી જશે
‘કૌન બનેગા કરોડપતિ’માં આજની તારીખે ૧ કરોડ રૂપિયા જીતનાર સ્પર્ધક લાંબું વિચારે તો તેને આ ઇનામ વામણું લાગે.
રિટાયરમેન્ટની તૈયારી કરનારા લોકો એવું વિચારતા હોય છે કે આજે એક કરોડ રૂપિયા બચાવી લઈશું તો રિટાયરમેન્ટની લાઇફ સારી રીતે જીવી શકાશે, પણ એવું રહ્યું નથી. આટલી રકમથી ઘરની ખરીદી, બાળકોનું શિક્ષણ કે તેમનાં લગ્નનો ખર્ચ નીકળી જશે એવું લોકો માને છે, પણ જે રીતે ફુગાવો વધે છે એ જોતાં આટલી રકમ રિટાયરમેન્ટ માટે પૂરતી નથી.
આજના એક કરોડ રૂપિયાની વૅલ્યુ ૧૦, ૨૦ કે ૩૦ વર્ષ પછી કેટલી રહેશે અને એ રૂપિયા શું રિટાયરમેન્ટના દિવસોમાં પૂરતા રહેશે ખરા? હકીકતમાં ફુગાવો નાણાંની કિંમતને ઘસી નાખે છે અને આજે મોટી દેખાતી રકમની કિંમત ભવિષ્યમાં સાવ ઓછી થઈ જવાની છે. લૉન્ગ ટર્મ માટે નાણાંનું આયોજન કરતા હોઈએ ત્યારે ફુગાવો અને ઘટતી જતી રૂપિયાની વૅલ્યુની ગણતરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આજે જે કાર ૧૦ લાખ રૂપિયામાં મળે છે એની કિંમત ૧૫ વર્ષ પછી ઘણી વધારે રહેવાની છે. જો ફુગાવાનો દર છ ટકા ગણીએ તો પણ આજના એક કરોડ રૂપિયાની કિંમત ૧૦ વર્ષ પછી ઘટીને ૫૫.૮૪ લાખ રૂપિયા જ રહેશે. આ દર્શાવે છે કે ફુગાવાનો પ્રભાવ લાંબા ગાળાની બચત અને રોકાણ પર કેવી અસર કરે છે. ૨૦ વર્ષ બાદ આજના એક કરોડ રૂપિયાની વૅલ્યુ માત્ર ૩૧.૧૮ લાખ રૂપિયા અને ૩૦ વર્ષ બાદ તો એકદમ ઘટીને ૧૭.૪૧ લાખ રૂપિયા જ રહી જવાની છે. આમ બચાવેલો રૂપિયો ઘસાતો રહેવાનો છે. જે ફિક્સ્ડ ડિપૉઝિટો પર ૬ ટકા વ્યાજ મળે છે એનાથી તમને કોઈ ફાયદો થતો નથી, કારણ કે ફુગાવાનો દર પણ ૬ ટકા છે, આમ તમને લાગે છે કે વ્યાજ મળે છે, પણ ફિક્સ્ડ ડિપૉઝિટ પર કોઈ વળતર મળતું નથી.