સાતેય જળાશયોમાં કુલ ૫૮.૫૮ ટકા પાણી
તાનસા તળાવ
છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા સારા વરસાદને પગલે ગઈ કાલે બપોર બાદ મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી તાનસા પણ ઓવરફ્લો થયું હતું. આ પહેલાં ૨૦ જુલાઈએ તુલસી જળાશય છલકાયું હતું. ગઈ કાલે સવાર સુધીમાં સાતેય જળાશયોમાં ૫૮.૫૮ ટકા પાણી જમા થયું હતું. આથી મુંબઈની પાણીની સમસ્યા કેટલાક અંશે ઓછી થઈ છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ માહિતી આપી હતી કે તાનસા જળાશય ગયા વર્ષે ૨૬ જુલાઈએ સવારના ૪.૩૫ વાગ્યે છલકાયું હતું તો ૨૦૨૨માં ૧૪ જુલાઈએ સવારના ૮.૫૦ વાગ્યે આ જળાશય છલોછલ થયું હતું. જોકે ૨૦૨૦માં વરસાદ મોડો થયો હતો એટલે ૨૦ ઑગસ્ટે સવારના ૭.૦૫ વાગ્યે તાનસા જળાશય ઓવરફ્લો થયું હતું.