વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની ટ્રેનોમાં જાન્યુઆરીથી જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસમાંથી પોલીસે ૪૭ કેસ ઉકેલ્યા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનોમાં પણ મહિલાઓ સલામત ન હોવાનું જણાઈ આવ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં બાવન મહિલાઓના વિનયભંગના મામલા પોલીસમાં નોંધાયા છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના આંકડા મુજબ સાત મહિનામાં સેન્ટ્રલ રેલવેમાં મહિલાના વિનયભંગના ૨૭ કેસ નોંધાયા હતા, જ્યારે વેસ્ટર્ન રેલવેમાં આવા પચીસ મામલા સામે આવ્યા હતા. આથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારી મહિલાઓની સલામતીનો સવાલ ઊભો થયો છે. ગયા બુધવારે કાંદિવલીમાં રહેતી ૨૬ વર્ષની મહિલા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ત્યારે તે બારી પાસે બેઠી હતી. ટ્રેન મલાડ સ્ટેશને રોકાઈ ત્યારે અચાનક એક પુરુષ મહિલા બેઠી હતી એ બારી પાસે આવ્યો હતો અને તેને પૂછ્યું કે ‘તું મારી સાથે શારીરિક સંબંધ બાંધશે?’ આ સાંભળીને મહિલા ચોંકી ઊઠી હતી. ચર્ચગેટ પહોંચીને મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે તપાસ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.