૨૦૨૩ના મે મહિનામાં સાઇબર ગઠિયાએ વૉટ્સઍપ પર મેસેજ કરી ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ભારે પ્રૉફિટની લાલચ આપી હતી.
પ્રતીકાત્મક તસવીર
જુઈનગરના સેક્ટર-૨૪માં રહેતા ૪૮ વર્ષના વેપારીએ ક્રિપ્ટોકરન્સી ફ્રૉડમાં ૮૭,૪૮,૧૪૧ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. આરોપીએ બાયનૅન્સ ઍપ્લિકેશનની બોગસ આઇડી મોકલી ક્રિપ્ટોકરન્સીમાં ભારે પ્રૉફિટની લાલચ દેખાડીને રોકાણ કરવા માટેની સલાહ આપીને આશરે ૧૬ મહિના સુધી નિયમિત ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. એની સામે વેપારીને પોતાની મૂળ રકમ સાથે એક કરોડ રૂપિયાનો પ્રૉફિટ દેખાતાં તેમણે પોતાના પૈસા પાછા કઢાવવા જતાં સાઇબર છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સાઇબર પોલીસ છેતરપિંડીમાં ગયેલા પૈસા રિકવર કરવાની કોશિશ કરી રહી છે.
વૉટ્સઍપ પર ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ભારે પ્રૉફિટ થતો હોવાની લાલચ આપવામાં આવી હતી એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩ના મે મહિનામાં સાઇબર ગઠિયાએ વૉટ્સઍપ પર મેસેજ કરી ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ભારે પ્રૉફિટની લાલચ આપી હતી. એમાં આશરે ૧૬ મહિના સુધી ફરિયાદી પાસે પૈસા પડાવવામાં આવ્યા હતા. ૨૦૨૪ના સપ્ટેમ્બરની શરૂઆતમાં વેપારીએ જ્યારે પ્રૉફિટ અને પોતાની મૂળ રકમ કઢાવવાની કોશિશ કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.’