વૉશરૂમ ગયા બાદ ચક્કર આવ્યાં અને પછી ૪૪ વર્ષના ભાવેશ ગાલા દરવાજામાંથી બહાર ફંગોળાઈ ગયા
ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ પામેલા ભાવેશ ગાલા.
મુંબઈમાં હૉસ્ટેલમાં રહીને HSCમાં ભણતી પુત્રીને લઈને વલસાડ જઈ રહેલા કચ્છી વીસા ઓેસવાળ જૈન સમાજના ૪૪ વર્ષના ભાવેશ મણિલાલ ગાલાનું ગુરુવારે ચાલતી ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ થયું હતું. ભાવેશ ગાલાએ પત્ની હેતલ અને પુત્રી વૃષા સાથે બોરીવલી રેલવે સ્ટેશનેથી વલસાડ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પકડી હતી. ટ્રેન દહાણુથી થોડી આગળ પહોંચી ત્યારે ભાવેશભાઈ ટ્રેનમાંથી પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૂળ કચ્છના મુંદ્રા તાલુકામાં આવેલા ભુજપુર ગામના ભાવેશ ગાલા પહેલાં મુંબઈના સાંતાક્રુઝમાં રહેતા હતા. દોઢેક વર્ષથી તેઓ પરિવાર સાથે વલસાડમાં શિફ્ટ થયા હતા અને ત્યાં જ જૉબ કરતા હતા.
ઘટના વિશે ભાવેશ ગાલાના સસરા મણિલાલ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દોહિત્રી વૃષા મુંબઈમાં હૉસ્ટેલમાં રહીને ભણે છે. વૃષાની અત્યારે હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની એક્ઝામ ચાલી રહી છે અને બે પેપર વચ્ચે ગૅપ હતો એટલે વૃષાને લેવા માટે જમાઈ અને મારી દીકરી હેતલ મુંબઈ ગયાં હતાં. બુધવારે બપોરે બે વાગ્યે તેમણે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પકડી હતી. હેતલે જણાવ્યું કે દહાણુ સ્ટેશન આવ્યું ત્યારે ભાવેશ વૉશરૂમ ગયા હતા. એ સમયે ચક્કર આવતાં તે વૉશરૂમ પાસે ઊભા રહી ગયા હતા. કોઈકે પાણી આપ્યું હતું એટલે રાહત થતાં જમાઈ થોડી વાર વૉશરૂમ પાસે જ ઊભા રહ્યા હતા. પાણી પીધા બાદ તેમને સારું લાગ્યું હતું. જોકે થોડી જ વાર બાદ જમાઈ ચાલતી ટ્રેનમાંથી દરવાજામાંથી બહાર ફંગોળાઈ જતાં પાટા પર પડ્યા હતા. ભાવેશને પડતા જોઈને લોકોએ ચેઇન-પુલિંગ કરીને ટ્રેન અટકાવી હતી. ભાવેશ વૉશરૂમ ગયા હતા અને સીટ પર પાછા નહોતા આવ્યા એટલે હેતલ અને બાજુની સીટના પ્રવાસીઓ ટ્રેનની નીચે ઊતરીને પડી ગયેલી વ્યક્તિ પાસે પહોંચ્યાં હતાં. ટ્રેનમાંથી પડેલી વ્યક્તિ ભાવેશ જ હતા અને તેમના માથામાં ગંભીર ઈજા થતાં લોહી વહી રહ્યું હતું. તેમના શ્વાસ બંધ થઈ ગયા હોવાનું જણાયું હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. ગઈ કાલે સવારે વલસાડમાં જ ભાવેશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાવેશને કોઈ બીમારી નહોતી. ભાવેશ જૉબ કરતા હતા અને હેતલ હાઉસવાઇફ છે. પરિવારમાં દીકરી વૃષા અને પુત્ર મોક્ષ છે. ભાવેશની અણધારી વિદાયથી મારી દીકરી અને તેનાં સંતાનો નોધારાં બની ગયાં છે.’

