દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતા અમર જરીવાલા બાંદરા-વરલી સી-લિન્ક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે સમડી અથડાતાં એને બચાવવા તેઓ બહાર નીકળીને રસ્તાની વચ્ચે ગયા એમાં પાછળથી આવતી કારે લીધા તેમને અડફેટે.
સોમવારે બપોરે અમર જરીવાલા (ડાબે) બાંદરા-વરલી સી-લિન્ક પર સમડીને બચાવવા જતાં ટૅક્સીની અડફેટે આવ્યા હતા જેમાં તેમનું મૃત્યુ થયું હતું અને તેમના ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હતી. (ઇલસ્ટ્રેશન : ઉદય મોહિતે)
જીવદયાપ્રેમી અમરનો જીવ લેનારા ટૅક્સીના ડ્રાઇવર સામે પરિવારજનોએ ફરિયાદ ન કરવાનો લીધો નિર્ણય
દક્ષિણ મુંબઈમાં આવેલા નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના ગુજરાતી જૈન વેપારીનું સોમવારે બાંદરા-વરલી સી-લિન્ક રોડ પર એક ટૅક્સીએ ટક્કર મારતાં મૃત્યુ થયું હતું. કારના આગળના કાચ સાથે સમડી અથડાયા બાદ એ તરફડિયાં મારતી હતી એ જોઈને એને ઊંચકવા માટે રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારી અમર મનીષ જરીવાલા અને તેમનો ડ્રાઇવર શ્યામ સુંદર કામત કારમાંથી ઊતર્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી કારે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં જૈન વેપારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જૈન વેપારી જીવદયાપ્રેમી હતા એટલે તેઓ સમડીને કાર સાથે અથડાયા બાદ તરફડતી જોઈ નહોતા શક્યા અને એને બચાવવા જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો. જીવદયાપ્રેમીનું આવી રીતે આકસ્મિક મૃત્યુ થવાથી જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગઈ કાલે બપોર બાદ વેપારીની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
નેપિયન સી રોડ વિસ્તારમાં આવેલા શ્રીપાલનગરમાં મૂળ અમદાવાદના દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના અમર મનીષ જરીવાલા કારમાં ડ્રાઇવર સાથે મલાડ જવા નીકળીને બાંદરા-વરલી સી-લિન્ક પર જતા હતા ત્યારે એક સમડી તેમની કારના કાચ સાથે અથડાઈને રસ્તામાં પડી ગઈ હતી.
ADVERTISEMENT
સમડીને બચાવવા જતાં જીવ ગુમાવ્યો
અમર જરીવાલાના પિતા મનીષભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુત્ર અમરને પહેલેથી દરેક જીવ માટે ખૂબ દયાભાવ હતો. સામાન્ય રીતે કોઈ પક્ષી અથડાય તો લોકો આગળ નીકળી જતા હોય છે, પરંતુ અમર જીવદયાપ્રેમી હતો. તેની કાર સાથે સી-લિન્ક પર એક સમડી અથડાઈને રસ્તામાં પડી હતી. સમડીને તરફડતી જોઈને અમરે કાર રસ્તાની એક બાજુએ ઊભી રખાવી હતી અને તે ડ્રાઇવર સાથે કારમાંથી બહાર નીકળ્યો હતો. તે સમડીને હાથમાં પકડીને કાર તરફ જતો હતો ત્યારે એક ટૅક્સીએ બંનેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચતાં તેને બાદમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો.’
અનેક વાહનો પસાર થયાં
મનીષભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘અમર અને ડ્રાઇવર સમડીને પકડવા માટે કારમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે તેમને જોઈને કેટલાંક વાહનો પસાર થઈ ગયાં હોવાનું ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં જણાઈ આવ્યું છે. જોકે બાદમાં એક ટૅક્સીએ તેમને અડફેટે લીધા હતા, જેમાં અમરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.’
ટૅક્સીચાલક સામે કોઈ ફરિયાદ નથી
સી-લિન્ક પર ટૅક્સીચાલકે પુત્ર અમર અને ડ્રાઇવર શ્યામ સુંદર કામતને ટક્કર મારી હતી, જેમાં અમરનું મૃત્યુ થયું હતું, જ્યારે ડ્રાઇવરની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વિશે મનીષભાઈએ કહ્યું હતું કે ‘આ ઘટનામાં અમને જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે. આથી ટક્કર મારનારા ટૅક્સીચાલક સામે અમારી કોઈ ફરિયાદ નથી. ટૅક્સીની અડફેટે આવ્યા બાદ અમર અને ડ્રાઇવર શ્યામ સુંદરને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. બંનેનાં હૃદય બંધ પડી ગયાં હતાં. ડૉક્ટરોએ અનેક પ્રયાસ કર્યા બાદ પણ અમરનું હૃદય ફરી શરૂ નહોતું થયું, જ્યારે ડ્રાઇવરનું હૃદય ફરી ધબકવા લાગ્યું હતું. ડૉક્ટરોના કહેવા મુજબ તેની હાલત ગંભીર હોવાથી તેને અત્યારે ઑક્સિજન પર રાખવામાં આવ્યો છે.’
નવાઈની વાત એ છે કે ઍક્સિડન્ટ થયા બાદ ત્યાંથી ઘણી કાર પસાર થઈ હતી, પણ એક પણ જણે પોતાની કાર ઊભી રાખીને અમર કે તેના ડ્રાઇવરની મદદે આવવાનું ટાળ્યું હતું. છેવટે અમરનો એક મિત્ર ત્યાંથી પસાર થયો હતો અને અકસ્માત પર ધ્યાન જતાં તે મદદે આવ્યો હતો અને તેમને લીલાવતી હૉસ્પિટલ લઈ ગયો હતો.
ઉંદર માટે નવકાર મંત્ર
અમર જરીવાલા જીવદયાપ્રેમી હતા. એ વિશે તેમના પિતા મનીષભાઈએ કહ્યું હતું કે ‘અમરનું હૃદય દરેક જીવ માટે ધબકતું હતું. તે કોઈનું દુઃખ જોઈ નહોતો શકતો. એક વખત અમારા ઘર નજીક એક ઉંદર તરફડતો હોવાનું તેના ધ્યાનમાં આવતાં તેણે રસ્તામાં કાર ઊભી રખાવી હતી અને ઉંદરના જીવનું કલ્યાણ થાય એ માટે નવકાર મંત્રનો જાપ કર્યો હતો. અમારા વિસ્તારમાં બધા અમરને જીવદયાપ્રેમી તરીકે જ ઓળખતા હતા એટલે તે રસ્તામાં ઊભો રહીને નવકાર મંત્રનો જાપ કરતો હોવા છતાં કોઈ કારચાલકે હૉર્ન વગાડીને તેને રસ્તામાંથી હટી જવાનું નહોતું કહ્યું. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે અમરના દિલમાં નાનાથી નાના જીવ માટે કેટલી કરુણા હતી. એક સમડીને બચાવવા જતાં તેણે અકસ્માતમાં આવી રીતે જીવ ગુમાવ્યાનું ખૂબ જ દુઃખ થયું છે.’
જીવદયાપ્રેમી અમર જરીવાલાના પરિવારમાં પિતા મનીષભાઈ, માતા શોભનાબહેન, પત્ની રીના તેમ જ પ્રિશા અને કિયા નામની બે દીકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે અકસ્માતમાં મૃત્યુ થયા બાદ અમરની ગઈ કાલે બપોર બાદ અંતિમક્રિયા કરવામાં આવી હતી.