આ બનાવ સોમવારે સાંજે બન્યો હતો
લિફ્ટ નીચે દબાઈ ગયેલો સોસાયટીમાં હાઉસકીપિંગ કરતો યોગેશ જાધવ
એકબીજાની ઉપર પાર્ક કરેલી કારોની સુવિધા હંમેશાં શંકાસ્પદ રહેલી છે. સોમવારે સાંજના સવાપાંચ વાગ્યે ચેમ્બુરના ૧૫મા રોડ પર ધનલક્ષ્મી બૅન્કની સામે આવેલી સ્વસ્તિક ફ્લેર સોસાયટીમાં કાર-લિફ્ટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં કાર-લિફ્ટ નીચે પડી ગઈ હતી. લિફ્ટ નીચે પડી જતાં આ લિફ્ટની નીચે ઊભેલો આ બિલ્ડિંગમાં કામ કરતો ૪૦ વર્ષનો એક હાઉસકીપર એની નીચે દબાઈને મૃત્યુ પામ્યો હતો, જેને કારણે આ સોસાયટીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ સોસાયટીના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ સોમવારે સાંજે બન્યો હતો. લિફ્ટ તૂટી પડતાં જોરદાર ધબાકાનો અવાજ આવ્યો હતો. તરત જ સોસાયટીના રહેવાસીઓ સોસાયટીના પરિસરમાં જમા થઈ ગયા હતા. અમે કાર-લિફ્ટ પાસે પહોંચ્યા ત્યારે જોયું તો યોગેશ જાધવ લિફ્ટની નીચે દબાયેલો હતો. અમે તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને આ અકસ્માતની જાણ કરી હતી. અમે અને ફાયર બ્રિગેડે સાથે મળીને યોગેશ જાધવની ડેડ-બૉડી બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ તેના પર લોખંડની ભારે પ્લેટ અને કાર હોવાથી અમે નાકામિયાબ રહ્યા હતા. ફાયર બ્રિગેડે તેની ડેડ-બૉડી બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આમ છતાં ફાયર બ્રિગેડ એમાં નિષ્ફળ રહી હતી. આખરે અમારી સોસાયટીના એક સભ્યએ લિફ્ટનું બટન દબાવતાં લિફ્ટ સહેજ ઊંચી થઈ હતી અને અમે યોગેશ જાધવની ડેડ-બૉડી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. અમારી જ સોસાયટીના એક ડૉક્ટરે તેને ચેક કરીને મૃત જાહેર કર્યો હતો.’
આ બાબતની માહિતી આપતાં ચેમ્બુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વસ્તિક ફ્લેર નામની દસ માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હાઇડ્રોલિક કાર-પાર્કિંગ સિસ્ટમનું ગઈ કાલે રિપેરિંગ ચાલી રહ્યું હતું. ત્યારે હાઇડ્રોલિક કાર-પાર્કિંગના મોટા પાઇપમાંથી અચાનક મોટા પ્રમાણમાં ઑઇલ ગળવા લાગ્યું હતું, જેને કારણે હાઇડ્રોલિકનું પ્રેશર ઘટી ગયું હતું. આથી કાર-પાર્કિંગ આખું કાર સાથે નીચે આવી ગયું હતું. આ સોસાયટીમાં હાઉસકીપિંગનું કામ કરતો યોગેશ જાધવ કાર-પાર્કિંગની નીચે દબાઈ ગયો હતો. તરત જ ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સને બોલાવીને યોગેશ જાધવને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’

