થોડા વખત પહેલાં તેનું સ્પાઇનનું ઑપરેશન પણ થયું હતું. આ બધી બીમારીથી કંટાળીને ડિપ્રેશનમાં આવી જઈને કદાચ તેણે આત્મહત્યા કરી હશે.
ઉર્વેશ શેઠિયા
મુલુંડ-વેસ્ટમાં ભક્તિમાર્ગ પરની એક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના ઉર્વેશ શેઠિયાએ સોમવારે સાંજે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે મુલુંડ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ઉર્વેશ છેલ્લા ૬ મહિનાથી લિવરની બીમારીથી પીડાઈ રહ્યો હતો એટલું જ નહીં, થોડા વખત પહેલાં તેનું સ્પાઇનનું ઑપરેશન પણ થયું હતું. આ બધી બીમારીથી કંટાળીને ડિપ્રેશનમાં આવી જઈને કદાચ તેણે આત્મહત્યા કરી હશે.
છેલ્લા ઘણા સમયથી ઉર્વેશ બીમારીને કારણે કંટાળી ગયો હતો એમ જણાવતાં ઉર્વેશના પિતા અનિલ શેઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બપોરે ત્રણ વાગ્યે રોજિંદા ક્રમ મુજબ ઉર્વેશ પોતાના બેડરૂમમાં આરામ કરવા ગયો હતો, પણ મોડી સાંજ સુધી દરવાજો ખૂલ્યો નહોતો એટલે મને શંકા જતાં મેં દરવાજો ખખડાવ્યો હતો. જોરથી દરવાજો ખખડાવ્યા છતાં ન ખૂલતાં તેના મોબાઇલ પર ફોન કર્યા હતા, પણ સામેથી કોઈ જવાબ ન મળતાં મેં અન્ય લોકોને બોલાવીને દરવાજો તોડ્યો હતો. બેડરૂમમાં એ વખતે ઉર્વેશ ગળાફાંસો ખાઈને લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. મેં તરત પોલીસને ફોન કર્યો હતો. પોલીસે આવીને ઉર્વેશને નીચે ઉતાર્યો હતો અને એ પછી તેને અગ્રવાલ હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાજર ડૉક્ટરે ઉર્વેશને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. મંગળવારે સાંજે ઉર્વેશની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ઉર્વેશની આત્મહત્યા પાછળનું કારણ તેની બીમારી હોય એવું અમને લાગી રહ્યું છે.’
ADVERTISEMENT
પ્રાથમિક માહિતીના આધારે અમે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એમ જણાવતાં મુલુંડના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરિવારના કહેવા પ્રમાણે બીમારીથી કંટાળીને ઉર્વેશે આત્મહત્યા કરી હશે. જોકે તેણે કોઈ સુસાઇડ-નોટ લખી નથી એટલે અમે આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ.’