Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મળો લૉકડાઉનમાં બીજાની પીડા જાણનારા શાંઘાઈના આ ગુજરાતીને

મળો લૉકડાઉનમાં બીજાની પીડા જાણનારા શાંઘાઈના આ ગુજરાતીને

01 April, 2022 11:11 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ચીનના આ શહેરમાં કોરોનાના કેસે ફરી માથું ઊંચકતાં કડક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતી યુવક ઘરે બેસવાને બદલે સેવાભાવના કામમાં આગળ પડતો રહીને સ્થાનિક લોકોને કરી રહ્યો છે મદદ

ચિરાગ ભણસાલી

ચિરાગ ભણસાલી


કોઈ કુદરતી આફત હોય કે પછી ઇમર્જન્સી હોય, ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ સેવાભાવના કામમાં આગળ પડતા રહેતા હોવાનાં અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યાં છે. આ ઉદાહરણોને પુરવાર કરતું વધુ એક ઉદાહરણ ચીનના શાંઘાઈમાં જોવા મળ્યું છે. કોરોનાએ ફરી સ્પીડ પકડતાં શાંઘાઈમાં જાહેર કરેલા લૉકડાઉન વચ્ચે ૪૦ વર્ષનો ગુજરાતી યુવક રાત-દિવસ સેવા કાર્ય કરી રહ્યો છે. મેડિકલ સંબંધિત કામ પીપીઈ કિટ પહેરીને કરવાની સાથે સોસાયટી અને આસપાસ ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરીને લોકોને મદદ કરવાનું કામ ચિરાગ ભણસાલી નામનો ગુજરાતી યુવક કરી રહ્યો છે.


ચીનમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું હોવાથી ચીનનું ફાઇનૅન્શિયલ હબ અને સૌથી મોટું શહેર ગણાતા શાંઘાઈમાં બે તબક્કામાં આકરું લૉકડાઉન લાદવામાં આવ્યું છે. લૉકડાઉનને પગલે શાંઘાઈના ૨.૭ કરોડ વસતી ધરાવતા શહેરમાં નાગરિકોએ ઘરે કે જ્યાં હોય ત્યાં જ ફરજિયાત રહેવું પડી રહ્યું છે. એટલું જ નહીં, સંક્રમણને રોકવા માટે બ્રિજ અને ટનલને બંધ કરી દીધાં છે. હાઇવે પરના ટ્રાફિક પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે તેમ જ શાંઘાઈ શહેરના ગર્વનરે શાંઘાઈને બે હિસ્સામાં વહેંચી દીધું હતું, જેમાં હોંગ્પુ નદીનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સતત નવ દિવસ સુધી સખત ધોરણે કોવિડ-19ની ટેસ્ટ કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં ફક્ત વૉલન્ટિયર્સ અને ઇમર્જન્સી કામ સાથે જોડાયેલા લોકોને જ બહાર આવવાની પરવાનગી છે.



ઇન્ડિયન ડાયમન્ડ ફર્મ માટે કામ કરતા અને શાંઘાઈમાં રહેતા ચિરાગ ભણસાલીએ શાંઘાઈથી ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચીનના વુહાનમાં કોવિડની શરૂઆતમાં જેટલા કેસ સામે આવ્યા નહોતા એટલા કેસ ફરી શાંઘાઈમાં આવ્યા છે. ગયા અઠવાડિયે શનિ-રવિ-સોમ લૉકડાઉન હતું, પરંતુ કેસ વધી રહ્યા હોવાથી બુધવારથી તો અહીં સખત લૉકડાઉન જાહેર કરાયું છે. એમાં લોકોને ઘરની બહાર નીકળવાની કે સોસાયટીમાં ઊતરવાની પણ પરવાનગી નથી. અહીં નદીના પૂર્વ તરફના લોકોને ઘરમાં રહેવાની સૂચના અપાઈ છે તો પશ્ચિમના રહેવાસીઓને ઘરનાં કરિયાણાં સહિતનો જીવન-જરૂરિયાતનો સામાન ખરીદવાની છૂટ આપવામાં આવી છે. જોકે ત્યાં પણ ટૂંક સમયમાં લૉકડાઉન જાહેર કરાશે. એટલા મોટા શહેરમાં કેસને રોકવા ખૂબ ચૅલેન્જિંગ છે. આમ છતાં એ સારી રીતે કરાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં દરરોજના કેસનો આંકડો અહીં ૯૫૦થી લઈને હવે ૪૦૦૦ સુધી પહોંચી ગયો છે.’


ધર્મ અને ભાષા કરતાં પણ સેવાનું કર્મ સર્વોપરી છે એ ભારત અને મારા વડીલોએ શીખવ્યું છે એમ કહેતાં ચિરાગે જણાવ્યું હતું કે ‘મારો પરિવાર કલકત્તામાં રહે છે, જ્યારે મારી પત્ની અસ્મીનો પરિવાર અંધેરી-વેસ્ટમાં રહે છે. ભારતીય પરિવારો તેમનાં બાળકોને લોકોની શક્ય હોય એટલી મદદ કરવાનું શીખવતા હોય છે. મારામાં આ જ ગુણની કેળવણી થઈ છે અને સેવાકામમાં કંઈ પણ વિચાર્યા વગર હું આગળ વધી રહ્યો છું. સખત લૉકડાઉનને કારણે અહીં વૉલન્ટિયર્સ અને ઇમર્જન્સી કાર્ય સાથે જોડાયેલા લોકોને જ બહાર આવવાની પરવાનગી મળે છે. અમારી અહીં ખૂબ મોટી સોસાયટીઓ હોય છે જ્યાં ૩૦૦૦થી પણ વધુ લોકો રહેતા હોય છે. આટલી મોટી સોસાયટીમાં જ લોકોને મદદ પૂરી પાડતા આખો દિવસ નીકળી જતો હોય છે. અહીંની સોસાયટીઓમાં માસિવ ટેસ્ટિંગ ચાલી રહ્યું હોવાથી એની વ્યવસ્થા સંભાળવી ઘણી અઘરી છે. એથી મારી સાથે અમુક લોકો તંત્રને વ્યવસ્થા સંભાળવા મદદ કરી રહ્યા છીએ. પીપીઈ કિટ પહેરીને અમે મેડિકલ મદદ કરી રહ્યા છીએ અને લોકોને ઘર સુધી ફૂડ પહોંચાડવાનું પણ કામ કરી રહ્યા છીએ. મને ચાઇનીઝ બોલતાં આવડે છે એટલે મેં સ્થાનિક તંત્રને જાણ કરી છે કે ફક્ત લખવાનું કે વાંચવાનું હોય એ છોડીને હું દરેક પ્રકારની સેવા આપવા કોઈ પણ સમયે અવેલેબલ છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2022 11:11 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK