નરેન્દ્ર મોદી જેને લીલી ઝંડી આપવાના છે એ મેટ્રોમાં જો તમે લિન્ક રોડ પર આવેલા ડી. એન. નગરથી દહિસર થઈને અંધેરી હાઇવે પર ગુંદાવલી સ્ટેશન સુધી મેટ્રોમાં ટ્રાવેલ કરવા માગતા હો તો આ છે ગણિત
ગુંદવલી સ્ટેશનની નીચે હાઇવે પરની દીવાલ પર રિઝવી કૉલેજ ઑફ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલું રંગરોગાન
ગુરુવારે વડા પ્રધાન આવવાના હોવાથી ગુંદાવલી સ્ટેશન અને એની આસપાસના રોડને કરવામાં આવી રહ્યો છે ચકાચક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈ આવવાના છે અને તેઓ ઘણાબધા પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન કરવાના છે. જેમાં એમએમઆરડીએના મુંબઈ મેટ્રો-2A જે હાલમાં માત્ર દહિસરથી દહાણુકરવાડી સુધી ચાલે છે એ એના લાસ્ટ ડેસ્ટિનેશન ડી. એન. નગર સુધી અને મેટ્રો-7 જે હાલમાં દહિસરથી આરે સુધી દોડે છે એ ગુંદવલી (અંધેરી-ઈસ્ટ હાઇવે) સુધી દોડવાની છે એનું ઉદ્ઘાટન કરવાના છે. મોટા ભાગે ગુંદવલી સ્ટેશન પર એનું ઉદ્ઘાટન થશે એને લઈને હાલમાં ગુંદવલી સ્ટેશન પર અને એની આસપાસના પરિસરમાં જોરદાર તૈયારીઓ થઈ રહી છે.
ગુંદવલી સ્ટેશન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને અંધેરી-કુર્લા રોડ પરના જંક્શન પર આવેલું છે એ હાઇવેની નીચેના ભાગને વાઇટ પડદા નાખીને કવર કરી લેવાયો છે. વળી ત્યાંની જે દીવાલ છે એના પર હાલમાં રંગરોગાન ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આસપાસનો રોડ એકદમ ચકાચક કરવામાં આવી રહ્યો છે અને ત્યાંના ટ્રાફિક આઇલૅન્ડનું પણ બ્યુટિફિકેશન યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે.
ADVERTISEMENT
મુંબઈગરાઓના મનમાં જે મૂળ સવાલ ઘૂમરાય છે તે એ છે કે દહિસરથી ગુંદવલી તો પહોંચી ગયા, પણ ત્યાંથી ઘાટકોપર જવાની મુંબઈ મેટ્રો-1 પકડવી હોય તો? તો એની પણ ચિંતા કરવાની જરૂર નથી. બન્ને મેટ્રોને ઉપરથી જ કનેક્ટ કરતો ફુટ-બ્રિજ બનાવી લેવાયો છે. એથી નીચે ઊતરવાની જરૂર જ નહીં નહીં રહે અને એક મેટ્રોમાંથી નીકળી બીજી મેટ્રોમાં જઈ શકાશે. વળી હાલ બન્ને લાઇનની ટ્રેનો સર્ક્યુલર જ ચલાવવાનો વિચાર છે. એથી જો કોઈને મલાડ-વેસ્ટ લિન્ક રોડથી ઘાટકોપર જવું હોય તો તે મેટ્રો-2Aમાં જ ગુંદવલી સુધી આવી શકશે અને ત્યાંથી મેટ્રો-1માં ઘાટકોપર જઈ શકશે. હાલ બન્ને રૂટ મેટ્રો-2A અને મેટ્રો-7ની ટ્રેનો સર્ક્યુલર જ ચલાવાશે.
ગુંદવલી સ્ટેશન પર થઈ રહેલી સાફસફાઈ
ગુંદવલી સ્ટેશન પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેટ્રોમાં તો ચોક્કસ સમયાંતરે સ્નિફર ડૉગ દ્વારા ચેકિંગ થાય જ છે, પણ ગઈ કાલે મેટ્રોની નીચે અને આસપાસના વિસ્તારોમાં બીડીડીએસ (બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ) દ્વારા સઘન ચેકિંગ છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજ ચાલી રહ્યું છે એમ જાણવા મળ્યું હતું. બીજું, મેટ્રો રેલવેના ઉચ્ચ અધિકારીઓ ગઈ કાલે સ્પૉટ પર એટલે કે ગુંદવલી સ્ટેશન પર હાજર હતા અને છેલ્લી ઘડીની બધી તૈયારીઓ ચાલી રહી હતી અને ઇન્સ્ટ્રક્શન્સ અપાઈ રહી હતી. ટિકિટ-વિન્ડો અને અન્ય એરિયાની પણ સતત સાફસફાઈ થઈ રહી હતી.
મેટ્રો-2Aના ડી. એન. નગર અને મેટ્રો-1ના ડી. એન. નગર સ્ટેશનને પણ આ જ રીતે ઉપરથી બ્રિજ દ્વારા જોડવામાં આવ્યા હોવાની જાણકારી મળી હતી. વળી હાલ મુંબઈ મેટ્રોના રેટ પણ કમ્પેટિટિવ છે. ૩ કિલોમીટર સુધી એ માત્ર ૧૦ રૂપિયા છે અને ત્યાર બાદ તબક્કાવાર વધારાય છે. રિક્ષામાં ૩ કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાના હાલ ૪૫થી ૫૦ રૂપિયા થાય છે, એ પણ ટ્રાફિકમાં અટવાતાં અને ધૂળ ખાતાં; જ્યારે મેટ્રોનો પ્રવાસ આરામદાયક, એસીનો અને ઝડપી રહેશે. વળી એ માટે મૅક્સિમમ (ગુંદવલી-ડી. એન. નગર) માત્ર ૬૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. હાલ મેટ્રો-2A અને મેટ્રો-7ની સ્પીડ ૬૫ કિલોમીટર મૅક્સિમમ રાખવામાં આવી છે. એનું એક ટેક્નિકલ કારણ એવું જાણવા મળ્યું છે કે મેટ્રોનાં સ્ટેશનો બહુ નજીક-નજીક છે - ઍવરેજ ૧થી ૧.૫ કિલોમીટરના અંતરે. એથી જો ટ્રેન વધુ સ્પીડમાં દોડાવવામાં આવે તો તરત જ પાછી બ્રેક મારવી પડે અને દરેક વખતે બ્રેક મારવામાં આવે અને સ્પીડ પર કન્ટ્રોલ કરાય તો એમાં મેઇન્ટેનન્સ વધી જાય. એટલે જરૂરી છે એટલી જ સ્પીડ મેઇન્ટેઇન કરાય છે. મેટ્રોમાં દહિસરથી ગુંદવલી પહોંચતાં ૩૫ મિનિટ થશે.
મેટ્રો–7ના ગુંદવલી અને મેટ્રો-1 (ઘાટકોપર-વર્સોવા)ના અંધેરી હાઇવેના સ્ટેશનને કનેક્ટ કરતો ફુટ રોડઓવર બ્રિજ
મેટ્રો-2A અને મેટ્રો-7ની અંદર હાલ અનાઉન્સમેન્ટ પણ ચાલુ કરી દેવાયું છે કે ડી. એન. નગર ટ્રેન ગુંદવલી સુધી જશે. આ ઉપરાંત ટ્રેનની અંદર માહિતી આપતાં એલઈડીનાં રનિંગ સાઇનબોર્ડ પણ ફુલફ્લેજ્ડ ચાલુ કરી દેવાયાં છે અને એમાં પણ બન્ને લાઇનના લાસ્ટ ડેસ્ટિનેશનની માહિતી હવે પ્રોજેક્ટ થઈ રહી છે. જો આ બન્ને લાઇન ૧૯મીના ઉદ્ઘાટન પછી તરત અથવા ૨૬ જાન્યુઆરીથી પણ ચાલુ થઈ જાય તો અનેક મુંબઈગરા એનો લાભ ઉઠાવી શકશે અને આશા છે કે એને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ પરનો અને લિન્ક રોડ પરનો ટ્રાફિક ઘટે. જો વધુ ને વધુ મોટરિસ્ટો મેટ્રોનો ઉપયોગ કરે તો લાખો રૂપિયાનું ઈંધણ પણ બચે અને પ્રદૂષણ પણ ઘટે.