વિમેન્સ પ્રીમિયર લીગની મૅચમાં આરોપીઓ સટ્ટો લેતા હોવાની માહિતીના આધારે અકોલા પોલીસે કાર્યવાહી કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અકોલા પોલીસે ક્રિકેટ મૅચ પર સટ્ટો લેવાના મામલામાં મંગળવારે રાત્રે મોટી કાર્યવાહી કરીને ૩૩ લોકોની ધરપકડ કરી હતી. અકોલાના MIDC પરિસરમાં આવેલા એક આલીશાન ફાર્મહાઉસમાં ક્રિકેટની મૅચો પર સટ્ટો લેવામાં આવી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. અકોલા પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ માહિતીના આધારે મંગળવારે ફાર્મહાઉસમાં ત્રાટકી હતી. ફાર્મહાઉસમાં અનેક લોકો અત્યારે ચાલી રહેલી વિમેન્સ પ્રીમિયર લીગની ક્રિકેટ મૅચો પર સટ્ટો લઈ રહ્યા હોવાનું જણાતાં પોલીસે ૩૩ આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ વિદેશના નેટવર્ક પર સટ્ટો લઈ રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
અકોલાના બાર્શિટાકળી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘પોલીસની નજરમાંથી બચવા માટે ફાર્મહાઉસના માલિક રવીન્દ્ર પાંડે અને મુખ્ય આરોપી સંજય ગુપ્તાએ ક્રિકેટ મૅચ પર સટ્ટો લેવા ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાંથી લોકોને બોલાવીને સટ્ટો લેવાના કામમાં લગાવ્યા હતા. તેઓ ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપના માધ્યમથી સટ્ટો લેતા હતા. ૩૩ આરોપીની ધરપકડ કરવાની સાથે ફાર્મહાઉસમાંથી ૧૧૩ મોબાઇલ, ૧૨ લૅપટૉપ, ૧૦ બૅન્કની પાસબુક, ૧૩ ATM કાર્ડ ઉપરાંત આરોપીઓએ બૅન્કનાં ૫૪ અકાઉન્ટમાં જમા કરેલા ૯.૯ લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરોપીઓના પાસપોર્ટની તપાસ કરવામાં આવતાં કેટલાકે તાજેતરમાં દુબઈની એકથી વધુ ટ્રિપ કરી હોવાનું જણાઈ આવ્યું છે.’

