મુંબઈની નજીકનાં ડેસ્ટિનેશન્સ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીના પ્લાન ચોપટ
ફાઈલ તસવીર
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ આવ્યા બાદ પણ થર્ટી ફર્સ્ટ નાઇટના સેલિબ્રેશનનો ખુમાર મુંબઈગરાના માથાથી ઊતરતો નથી અને લોનાવલા કે મહાબળેશ્વરમાં નાઇટ કરફ્યુ લદાયો છે છતાંય તેમનો ઉજવણીનો ઉત્સાહ કંઈ મંદ થતો નથી. મુંબઈના લોકોએ ન્યુ યર પાર્ટી માટે મુંબઈ નજીકનાં ડેસ્ટિનેશન્સ પર નજર દોડાવી હતી, પણ કોવિડનો ગભરાટ એવો છે કે દેવલાલી કે ઇગતપુરી જેવી જગ્યાઓએ નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં હોવાથી હવે ત્યાં પાર્ટી કરવાના પ્લાન ચોપટ થઈ ગયા છે.
મહાબળેશ્વર, લોનાવલા કે માથેરાનમાં રાત્રે ૧૦ વાગ્યે બધું બંધ થઈ જાય તો થર્ટી ફર્સ્ટ નાઇટની ઉજવણીનો કોઈ અર્થ ન રહેતો હોવાથી તેમ જ નિયમનો ભંગ કરનારાઓ સામે પ્રશાસન કડક હાથે કામ લેવા મક્કમ હોવાથી મોટા ભાગના લોકોએ બહાર જવાનું ટાળ્યું છે; પરંતુ મોટી સંખ્યામાં લોકો દેવલાલી, ઇગતપુરી, અલીબાગ, કર્જત વગેરે સ્થળોએ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેઓ અહીં કેટલા વાગ્યા સુધી ઉજવણી કરી શકશે એ સ્થાનિક પ્રશાસન અને પોલીસ પર નિર્ભર કરશે.
ADVERTISEMENT
માર્ચ મહિનાથી કોરાનાએ ભારતમાં એન્ટ્રી માર્યા બાદથી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી દેશ સહિત મુંબઈમાં કોવિડના કેસમાં ઘટાડો થવાથી બધાએ રાહત અનુભવી હતી. લગભગ ૧૦ મહિના લૉકડાઉનમાં રહ્યા બાદ વર્ષના અંતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાની સાથે નવા વર્ષને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ વિવિધ પ્લાન બનાવ્યા હતા.
જોકે મુંબઈમાં નાઇટ કરફ્યુ લગાવાતાં કોઈ પણ રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માગતા મુંબઈગરાઓએ માથેરાન, લોનાવલા, મહાબળેશ્વર સહિતનાં હિલ સ્ટેશનોએ જવાનો પ્લાન બનાવીને અહીં બુકિંગ પણ કરાવી લીધાં હતાં. રાજ્ય સરકારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરોને કોરોના વાઇરસનું સંક્રમણ વધવાની શક્યતા હોય એવાં સ્થળોએ નાઇટ કરફ્યુ લાદવાની સત્તા આપી હતી. મોટા પ્રમાણમાં હિલ સ્ટેશનો પર લોકો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અહીં પણ નાઇટ કરફ્યુ લગાવી દેવાથી થર્ટી ફર્સ્ટ નાઇટની મજા બગડી ગઈ છે.
હિલ સ્ટેશનો પર નાઇટ કરફ્યુ લગાવાતાં નાશિક જિલ્લામાં આવેલા દેવલાલી અને ઇગતપુરીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે અસંખ્ય કચ્છી-ગુજરાતીઓ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અહીં પણ રાત્રે ૧૦ વાગ્યે હોટેલો બંધ કરવાનો આદેશ આપ્યો હોવાથી બધાએ ઘરમાં રહીને જ સેલિબ્રેશન કરવું પડશે.
નાશિક જિલ્લાના રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટર (આરડીસી) ભાગવત ડોઈફોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થર્ટી ફર્સ્ટ નાઇટમાં મોટા પ્રમાણમાં પાર્ટીનું આયોજન થાય તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા છે. આથી ૨૩ ડિસેમ્બરથી જ નાઇટ કરફ્યુ લાદી દેવાયો છે. કાયદાનો ભંગ થતો હોવાનું ધ્યાનમાં આવે તો પ્રશાસન પગલાં લેશે.’
દેવલાલી કૅમ્પ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષચંદ્ર દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અહીં રાત્રે ૧૦ વાગ્યે હોટેલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. નાઇટ કરફ્યુ હોવાથી એનો ભંગ થતો હશે ત્યાં એની સામે કાર્યવાહી કરીશું. અહીં ગુજરાતી જૈનના અનેક બંગલો અને મકાનો છે ત્યાં મોટી સંખ્યામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરમાં ન્યુ યરનું સેલિબ્રેશન કરી શકશે, બહાર નીકળશે તો પગલાં લેવામાં આવશે.’
ઇગતપુરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપક પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંની હોટેલો અને રિસૉર્ટમાં લોકો ઑનલાઇન બુકિંગ કરીને આવે છે એટલે કેટલા લોકો ન્યુ યર મનાવવા આવવાના છે એની માહિતી અમારી પાસે નથી. ૧૧ વાગ્યા પછી કોઈ જગ્યાએ નિયમનો ભંગ થતો હશે તો ડીજે જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.’
ઘરોમાં નાના ગ્રુપમાં પાર્ટી
કરફ્યુને લીધે રાત્રે ૧૧ વાગ્યે હોટેલો બંધ થઈ જવાની હોવાથી મુંબઈમાં થર્ટી ફર્સ્ટ નાઇટની પાર્ટીનું આયોજન શક્ય નથી. આથી કેટલાક લોકોએ નાના-નાના ગ્રુપમાં ઘરોમાં પાર્ટીનું આયોજન કર્યું છે. દક્ષિણ મુંબઈમાં રહેતા એક બિઝનેસમૅને નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘અમે એક ફ્રેન્ડના ઘરમાં ચાર કપલે પાર્ટીનું આયોજન કર્યું છે. નૉર્મલી અમે મુંબઈ અથવા નજીકની કોઈ સારી હોટેલમાં આયોજિત પાર્ટીમાં જતા હોઈએ છીએ, પણ આ વર્ષે નાઇટ કરફ્યુને કારણે બહાર નીકળવાનું શક્ય નથી એટલે ઘરમાં એન્જૉય કરીશું.’
મુંબઈમાં રાત્રે ૧૧એ શટર ડાઉન
સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ મુજબ હોટેલ, રેસ્ટોરાં, પબ જેવી જગ્યાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. ત્યાર બાદ જો કોઈ નિયમોનું ઉલંઘન કરતું પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર પણ ચાર કે તેનાથી વધારે વ્યક્તિ એકસાથે ભેગી નહીં થઈ શકે. એટલું જ નહીં, રાત્રે ૧૧ વાગ્યા બાદ ફૂડની હોમ ડિલિવરી પણ નહીં મળે.
દમણમાં પાર્ટી પર પ્રતિબંધ
બીજે બધે નાઇટ કરફ્યુ હોવાથી દમણમાં થર્ટી ફર્સ્ટ મનાવવાના પ્લાન સાથે મુંબઈ અને સુરતના અસંખ્ય લોકોએ બુકિંગ કરાવ્યાં હતાં, પરંતુ બે દિવસ પહેલાં હોટેલોમાં પાર્ટીના આયોજન પર પ્રશાસને પ્રતિબંધ મૂકી દેવાથી બધા ચિંતામાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અહીં નાઇટ કરફ્યુ નથી લદાયો, પણ પાર્ટીનું આયોજન ન કરવાનો આદેશ અપાયો હોવાનું જાણવા મળ્યું હતું.
માઉન્ટ આબુમાં ઠંડીએ મજા બગાડી
ગુજરાત-રાજસ્થાનની બૉર્ડર પર આવેલા માઉન્ટ આબુ પણ ન્યુ યર પાર્ટી માટે ફેમસ છે. અહીં પાર્ટીનાં આયોજન કરાયાં છે. કોવિડના નિયમો ઉપરાંત અહીં નાઇટ કરફ્યુ નથી લદાયો, પરંતુ અહીં એક અઠવાડિયાથી કાતિલ ઠંડી પડી રહી છે. ગઈ કાલે અહીં મિનિમમ ૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી તાપમાનમાં હજી ઘટાડાની શક્યતા છે. આથી કોઈ નિયમો નહીં પણ અહીં આ ઠંડી ન્યુ યર પાર્ટીની મજા બગાડે એવી શક્યતા છે.

