મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાનની દુકાન ચલાવતા અને ઈંડાં વેચનારાએ સિમ કાર્ડ ખરીદીને બીબીએ કરનારા યુવાનને આપ્યાં હોવાની માહિતી મળતાં ત્રણેયને દબોચી લીધા
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને મંગળવારે મુંબઈમાં ૧૧ જગ્યાએ બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકીની ઈ-મેઇલ મળી હતી. ઈ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસનાં રાજીનામાં નહીં લેવામાં આવે તો બપોરના ૧.૩૦ વાગ્યે બૉમ્બધડાકા કરવામાં આવશે. મુંબઈ પોલીસે ધમકી મળ્યા બાદ સઘન તપાસ કરી હતી, જેમાં કંઈ જોખમી નહોતું મળ્યું. આ મામલામાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી ત્રણ યુવકોની ધરપકડ કરી છે. એમાં એક યુવક ગ્રૅજ્યુએટ છે, બીજો પાનની દુકાન ધરાવે છે અને ત્રીજો ઈંડાં વેચતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આરબીઆઇમાં ધમકીની ઈ-મેઇલ કરનારો મુખ્ય આરોપી ૨૭ વર્ષનો મોહમ્મદ અર્શિલ તુપાલા છે, જે બીબીએ ગ્રૅજ્યુએટ છે અને શૅરબજારમાં કામ કરે છે. તેના મોબાઇલથી ઈ-મેઇલ આઇડી બનાવીને ધમકી આપવામાં આવી હતી. તેના પાનની દુકાન ચલાવતા ૩૫ વર્ષના સંબંધી વસીમ મેમણ અને ઈંડાંનું વેચાણ કરતા ૨૩ વર્ષના મિત્ર આદિલ મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આદિલ મલિકે બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે સિમ કાર્ડ મેળવીને વસીલમ મોમિન મારફત મોહમ્મદ અર્શિલને આપ્યું હતું.’
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘આરોપીઓની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે તેમણે માત્ર મસ્તી કરવા માટે ધમકીની ઈ-મેઇલ મોકલી હતી. એ સિવાય એની પાછળ કોઈ બદઇરાદો નહોતો. અમે તેમની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે. આ મામલની ફરિયાદ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે એટલે આરોપીઓને અહીં સોપવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
મંગળવારે ધમકીની ઈ-મેઇલ મળ્યા બાદ પોલીસે જે ત્રણ જગ્યાએ બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યાં તપાસ કરી હતી, પરંતુ એ જગ્યાએ કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ હાથ નહોતી લાગી. ધમકીની આ ઈ-મેઇલમાં આરબીઆઇ ઑફિસ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બૅન્ક સહિત ૧૧ જગ્યાએ બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું.
આરબીઆઇએ કેટલીક પ્રાઇવેટ બૅન્કો સાથે મળીને ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ કર્યું હોવાનો દાવો ઈ-મેઇલમાં કરવામાં આવ્યો હતો અને આ માટે ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસનાં રાજીનામાં નહીં લેવામાં આવે તો બપોર બાદ તમામ બૉમ્બ ફોડવામાં આવશે.