ગોવાથી મુંબઈ આવી રહેલી ૨૯ વર્ષની મિત્તલ પુનીત ગડાએ મુંબઈ આવવા ટૅક્સી બોલાવી અને સામાન એમાં મૂકી રહી હતી ત્યારે અચાનક તેને ચક્કર આવતાં તે પડી ગઈ અને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
ગોવાથી મુંબઈ આવતાં પહેલાં મિત્તલ ગડાને હાર્ટ-અટૅક આવતાં જીવ ગયો.
મુંબઈઃ કોરોના બાદ નાની ઉંમરે હાર્ટ-અટૅકના અનેક કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. એવામાં ગોવાથી મુંબઈ આવી રહેલી ૨૯ વર્ષની મિત્તલ પુનીત ગડાએ મુંબઈ આવવા ટૅક્સી બોલાવી અને સામાન એમાં મૂકી રહી હતી ત્યારે અચાનક તેને ચક્કર આવતાં તે પડી ગઈ અને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. મિત્તલનાં લગ્નને હજી ૧૪ મહિના જ થયા હતા. તેણે આ રીતે જીવ ગુમાવતાં સૌ આશ્રર્યમાં પડી ગયા છે. આજે ડોમ્બિવલીના નવનીતનગર ખાતે સવારે નવ વાગ્યે મિત્તલની અંતિમ યાત્રા છે.
બોરીવલીમાં સોડાવાલા લેન ખાતે મમ્મી ભાવના સત્રા અને પપ્પા કાંતિલાલ સત્રા સાથે રહેતી અને ૧૪ મહિના પહેલાં ડોમ્બિવલીના નવનીતનગરમાં રહેતા કચ્છી યુવાન પુનીત લક્ષ્મીચંદ ગડા સાથે લગ્ન કરીને રહેવા આવી હતી. પુનીત ગોવામાં જૉબ કરતો હોવાથી બે મહિના પહેલાં જ મિત્તલ ગોવા રહેવા ગઈ હતી. આ બનાવ વિશે વધુ માહિતી આપતાં મિત્તલનાં સાસુ નયના ગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મિત્તલ બે મહિના પહેલાં જ ગોવા ગઈ હતી. પુનીત ત્યાં કામ કરે છે એટલે તે પણ ત્યાં ગઈ હતી. મિત્તલ બહેનના દીકરાને ત્યાં થોડા દિવસ રહેવા લઈ ગઈ હતી. એટલે ગઈ કાલે તેઓ તેને મુંબઈ મૂકવા આવી રહ્યાં હતાં. મિત્તલને બે દિવસથી હલકો તાવ હતો. બસથી મુંબઈ આવવાના હોવાથી તેમણે સામાન લઈ જવા ટૅક્સી બોલાવી અને સામાન મૂકી જ રહ્યાં હતાં એ વખતે તેને ચક્કર આવતાં મિત્તલ પડી ગઈ હતી. તેણે ત્યાં જ જીવ ગુમાવી દીધો હતો. તપાસ કરતાં તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાનું જણાયું હતું.’