પરિવારે કર્યો આવો દાવો : પોલીસે ઍક્સિડન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી
કૉન્સ્ટેબલ ગૌરી પાટીલ
મુંબઈ પોલીસના લોકલ આર્મ્સ ડિવિઝનમાં કાર્યરત ૨૮ વર્ષની કૉન્સ્ટેબલ ગૌરી સુભાષ પાટીલનું ગુરુવારે અંધેરી-વેસ્ટમાં લોખંડવાલામાં આવેલી હૉસ્પિટલમાં કાનની સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પ્રાથમિક ઘટનાના આધારે આંબોલી પોલીસે ઍક્સિડન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે ગૌરીના પરિવારે દાવો કર્યો હતો કે ગુરુવાર સવાર સુધી ગૌરી એકદમ મસ્ત અને સ્વસ્થ હતી અને સાંજે તેને ઑપરેશન થિયેટરમાં બેભાન કરવા માટે આપવામાં આવેલા ઍનેસ્થેસિયાનો ડોઝ વધી જવાથી તેનું મૃત્યુ થયું હતું.
આશરે ૧૫ દિવસ પહેલાં ડ્યુટી સમયે ગૌરીના કાનમાં લાકડાની સળી ગઈ હતી અને ત્યાર બાદ તેના કાનમાંથી વારંવાર પાણી નીકળતું હોવાથી તે હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહી હતી એમ જણાવતાં ગૌરીના ભાઈ વિનાયક પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌરી ૨૦૧૭માં પોલીસ ફોર્સમાં જોડાઈ હતી. ત્યાર બાદ તેનું પોસ્ટિંગ લોકલ આર્મ્સ ડિવિઝનમાં કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં તે ડ્યુટી પર હતી ત્યારે તેના કાનમાં અજાણતાં લાકડાની સળી ચાલી ગઈ હતી. એમાં તેના કાનનો પડદો ડૅમેજ થઈ જવાથી ડૉક્ટરની સલાહ લીધી હતી. શરૂઆતમાં ડૉક્ટરે તેને કાનમાં નાખવાનાં ટીપાં આપ્યાં હતાં. જોકે એનાથી કાનમાં કોઈ સુધારો દેખાયો નહોતો. ૨૭ ઑગસ્ટે તેણે ડૉક્ટરની સલાહ લેતાં તેને કાનનું ઑપરેશન કરવા માટે કહેવામાં આવ્યું હતું એટલે ૨૮ ઑગસ્ટે સવારે તે હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ હતી. ત્યાર બાદ તેના તમામ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા જે નૉર્મલ આવ્યા હોવાથી ગુરુવારે કાનનું ઑપરેશન કરવાનો નિર્ણય ડૉક્ટરે લીધો હતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ ડૉક્ટર તેને ઑપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. એ પહેલાં તે એકદમ મસ્ત હતી. ત્યાર બાદ સાંજે સાત વાગ્યે અમને માહિતી આપવામાં આવી કે ગૌરીની તબિયત ખરાબ થઈ ગઈ છે. એ પાછળનું કારણ જાણવાનો અમે બહુ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ બેથી ત્રણ કલાક અમને કંઈ કહેવામાં નહોતું આવ્યું. એકાએક નવ વાગ્યાની આસપાસ ડૉક્ટરે અમને કહ્યું કે ગૌરીનું મૃત્યુ થયું છે. આ ઘટનાનો અમને પરિવારમાં ખૂબ જ આઘાત લાગ્યો હતો, કારણ કે ઑપરેશન થિયેટરમાં જવા પહેલાં તે એકદમ મસ્ત હતી અને અચાનક કેવી રીતે તેનું મૃત્યુ થઈ ગયું? પ્રાથમિક માહિતીમાં અમને જાણવા મળ્યું કે ગૌરીને ઑપરેશન પહેલાં બેભાન કરવા ઍનેસ્થેસિયાનો ડોઝ આપવામાં આવ્યો હતો એ વધારે પ્રમાણમાં હતો જેને લીધે તેનું મૃત્યુ થયું હતું.’
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર અમે ADR નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગઈ કાલે સાંજે મહિલા કૉન્સ્ટેબલનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી. એ આવ્યા બાદ મૃત્યુ પાછળનું મૂળ કારણ જાણવા મળશે. અમે સિનિયર ડૉક્ટરો પાસેથી પણ આ કેસ વિશે માહિતી લઈશું અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. - જયવંત શિંદે, આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર