એપીએમસીમાં ડ્રાયફ્રૂટ્સનો વ્યવસાય કરતા વેપારીએ કંપનીના બિઝનેસ માટે એક ઑનલાઇન વેબસાઇટ તૈયાર કરી હતી. દરમ્યાન સાઇબર ગઠિયાઓએ એવી સેમ વેબસાઇટ તૈયાર કરી ગૂગલ સર્ચ એન્જિન પર રાખી હતી
ડ્રાયફ્રૂટની પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : એપીએમસીમાં ડ્રાયફ્રૂટ્સનો વ્યવસાય કરતા વેપારીએ કંપનીના બિઝનેસ માટે એક ઑનલાઇન વેબસાઇટ તૈયાર કરી હતી. દરમ્યાન સાઇબર ગઠિયાઓએ એવી સેમ વેબસાઇટ તૈયાર કરી ગૂગલ સર્ચ એન્જિન પર રાખી હતી. આ વેબસાઇટ જોઈને ઑર્ડર કરવા જતાં ૨૭ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી વેપારીને મળતાં તેણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં બોગસ વેબસાઇટ તૈયાર કરી નાગરિકો સાથે છેતરપિંડી કરતા ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મુલુંડ-વેસ્ટના એલબીએસ રોડ પર રુણવાલ ઍન્થુરિયમ કૉમ્પ્લેક્સના એક ટાવરમાં રહેતા અને વાશી સેક્ટર-૧૯માં એપીએમસી માર્કેટમાં નટ્સ ઍન્ડ બેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામે ડ્રાઇફ્રૂટ્સનો વ્યવસાય કરતાં ૪૨ વર્ષનાં વૈશાલી ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર તેમની વેબસાઇટ www.dryfruitbasket.in ગો ડૅડી ડોમેન પર રજિસ્ટર છે. આ વેબસાઇટ દ્વારા તેઓ ગ્રાહકો પાસેથી ઑર્ડર સ્વીકારી કુરિયર દ્વારા સંબંધિત ગ્રાહકના સરનામે ઑર્ડર મોકલાવે છે. જૂન ૨૦૨૩માં સ્વામીનાથ નામના ગ્રાહકે તેમનો સંપર્ક કરી વેબસાઇટ પરથી ડ્રાયફ્રૂટ્સ ખરીદ્યાં, પરંતુ ઑર્ડર ડિલિવર ન થયો હોવાનુ જણાવ્યું હતું. માહિતીની ચકાસણી કરતાં તેમની અધિકૃત વેબસાઇટ જેવી જ સેમ વેબસાઇટ તૈયાર કરી હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાર બાદ ખાતરી થઈ કે કોઈ અજાણ્યા ઇસમે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તેમની વેબસાઇટ જેવી જ બીજી વેબસાઇટ બનાવી હતી. એટલે તરત જ ઘટનાની ફરિયાદ સાઇબર સેલને કરવામાં આવી હતી. ફરી વાર કેટલાક ગ્રાહકોએ તેમનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારી વેબસાઇટ પર ઑર્ડર આપ્યા બાદ તેમને માલ મળ્યો નહોતો. અંતે વધુ તપાસ કરતાં ૨૭ લોકો સાથે આવી છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં ઘટનાની જાણ એપીએમસી પોલીસ-સ્ટેશનને કરવામાં આવતાં પોલીસે અજાણ્યા સાઇબર ફ્રોડસ્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
એપીએમસી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પ્રાથમિક માહિતીના આધારે અમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીની વેબસાઇટ જેવી દેખાતી એકસરખી પાંચ વેબસાઇટ તૈયાર કરવામાં આવી હતી. એ વેબસાઇટમાં સાઇબર-ફ્રોડસ્ટરો ઓછા ભાવે સેમ પ્રોડક્ટ વેચવાનું કહી નાગરિકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતા હતા. જ્યારે તેમને તેમના ઑર્ડર પ્રમાણે માલ નહોતો મળતો ત્યારે તેઓ ફરિયાદીનો સંપર્ક કરતા હતા.