૧૬ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી ૨૬૦૦ રાખડી આસામ રેજિમેન્ટના જવાનોને મોકલવામાં આવી
ડોમ્બિવલીની સ્કૂલમાં તૈયાર થતી રાખડીઓ. આ રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકોને મોકલવામાં આવી હતી.
આપણે આ વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેશમાં ‘હર ઘર તિરંગા’ની સાથે અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઑફ ડોમ્બિવલી-ઈસ્ટની આગેવાનીમાં ડોમ્બિવલીની ૧૬ સ્કૂલોનાં બાળકો દ્વારા તૈયાર કરાયેલી ૨૬૦૦ રાખડી આસામ રેજિમેન્ટના જવાનો માટે મોકલવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસના અવસરે સૈનિકોના દેશની સુરક્ષામાં અમૂલ્ય યોગદાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે આ રાખડીઓ મોકલવામાં આવી હતી.
ડોમ્બિવલીની ૧૬ સ્કૂલમાં આઠમા અને નવમા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોએ શનિવારે આસામ રેજિમેન્ટના આશરે ૨૬૦૦ જવાનોને રાખડી મોકલી હતી. દેશની સુરક્ષા માટે જવાનો પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર રહેતા હોય છે. આવા જવાનો માટે ડોમ્બિવલીની હોલી એન્જલ સ્કૂલે ૮૦૦ રાખડી, મૉડલ સ્કૂલે ૩૩૦ રાખડી, પવાર પબ્લિક સ્કૂલે ૩૫૦ રાખડી, ઓમકાર સ્કૂલે ૨૯૭ રાખડી, ગ્રીન્સ ઇંગ્લિશ સ્કૂલે ૨૧૫ રાખડી, શિવાઈ બાલક મંદિર સ્કૂલે ૨૦૦ રાખડી, એસ. વી. જોષી હાઈ સ્કૂલે ૧૦૦ રાખડી અને ન્યુ સનરાઇઝ હાઈ સ્કૂલે ૫૦૦ રાખડી દેશની રક્ષા કરતા સૈનિકોને પરીક્ષાના અભ્યાસમાંથી સમય કાઢીને મોકલી હતી.
ADVERTISEMENT
રોટરી ક્લબ ઑફ ડોમ્બિવલી-ઈસ્ટના પ્રમુખ વિજય ડુમરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો સાથે કો-ઑર્ડિનેટ કરી રહ્યા હતા જેમાં તમામ સ્કૂલો દ્વારા પૉઝિટિવ રિસ્પૉન્સ આવતાં અમે જવાનો માટે રાખડી મોકલવાનું નક્કી કર્યું હતું. તમામ રાખડી પૅક કરીને અમે આસામ રેજિમેન્ટને મોકલી આપી છે. આગામી બેથી ત્રણ દિવસમાં આ રાખડીઓ તેમને પહોંચી જશે.’