ગોરાઈ બીચ પાસેથી સાત ટુકડામાં મળેલી ડેડ-બૉડી પુણેના યુવકની, પ્રેમ-પ્રકરણને લીધે થઈ હતી હત્યા ઃ બહેનનો પીછો છોડતો નહોતો એટલે ભાઈએ હત્યા કરી
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીના ગોરાઈ બીચના બાબરપાડા વિસ્તારમાંથી ૭ ટુકડામાં મળેલી ડેડ-બૉડી બિહારના દરભંગા જિલ્લાના કન્હૌલી ગામમાં રહેતા ૨૧ વર્ષના રઘુનંદન પાસવાનની હોવાની માહિતી મંગળવારે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. રઘુનંદનની હત્યા પ્રેમ-પ્રકરણને લીધે થઈ હોવાની ચોંકાવનારી માહિતી તપાસ દરમ્યાન મળી છે. જોકે આ કેસમાં રિક્ષા-ડ્રાઇવરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે સોશ્યલ મીડિયામાં ફરતા સમાચારમાં ડબ્બાનો ફોટો જોઈને પોલીસ-સ્ટેશનમાં માહિતી આપવા પહોંચી ગયો હતો જેની મદદથી હત્યા કરનાર ૨૫ વર્ષના મોહમ્મદ સત્તારની મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV) પોલીસે ધરપકડ કરી હતી અને આગળની તપાસ ગોરાઈ પોલીસને સોંપી દીધી છે.
મોહમ્મદે દારૂ પીવાના બહાને રઘુનંદનને મુંબઈ બોલાવ્યો હતો એમ જણાવતાં MBVV ઝોન-વનના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) પ્રકાશ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રઘુનંદન મૂળ બિહારનો હતો, પણ તે પુણેમાં રહીને ત્યાં જ નોકરી કરતો હતો. દિવાળીમાં વેકેશન હોવાથી ૩૧ ઑક્ટોબરે મુંબઈ જાઉં છું કહીને મિત્રો સાથે મુંબઈ આવ્યો હતો. એ પછી લક્ષ્મીપૂજનના દિવસ બાદ તેનો કોઈ સંપર્ક થયો નહોતો એટલે તેના પિતા જિતેન્દ્રએ મુંબઈ આવીને અંધેરી પોલીસ-સ્ટેશનમાં તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે રઘુનંદનની હત્યા મીરા રોડ રહેતી ૧૭ વર્ષની યુવતીને કારણે થઈ હતી. એ બાબતે વધુ તપાસ કરતાં હત્યાના મૂળ આરોપી મોહમ્મદ સત્તાર સુધી પહોંચ્યા હતા. આ કેસ ગોરાઈ પોલીસનો હોવાથી અમે આગળની તપાસ માટે મોહમ્મદને ગોરાઈ પોલીસને સોંપી દીધો છે.’
ADVERTISEMENT
રિક્ષા-ડ્રાઇવરની મદદથી MBVV પોલીસ આરોપી સુધી પહોંચી હતી એમ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ડબ્બામાં ડેડ-બૉડીના ટુકડા ભરીને ગોરાઈ બીચ પર રાખવામાં આવ્યા હતા એના ફોટો સમાચારમાં વાઇરલ થતાં જે રિક્ષામાં ડબ્બા લઈ જવાયા હતા એ રિક્ષાનો ડ્રાઇવર મીરા રોડ પોલીસ-સ્ટેશન પહોંચી ગયો હતો અને તેની મદદથી તેઓ આરોપી સુધી પહોંચ્યા હતા. આરોપીએ હત્યા આંતરધર્મીય સંબંધ માટે કરી હોવાનો પ્રાથમિક અંદાજ છે. મોહમ્મદની બહેન સાથે રઘુનંદન પ્રેમ થયો હતો. જોકે પછીથી મોહમ્મદની બહેને રિલેશન તોડી નાખ્યું હતું, પણ રઘુનંદન તેનો પીછો છોડતો નહોતો એને કારણે મોહમ્મદે તેની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. તેણે હત્યા કેવી રીતે કરી, ક્યારે કરી અને કઈ વસ્તુથી કરી એની તપાસ ચાલી રહી છે. રિક્ષા-ડ્રાઇવરે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદે તેને કહ્યું હતું કે ઇલેક્શનમાં ગોરાઈ બીચ પર દારૂ લઈ જવો છે અને એ એશિયન પેઇન્ટ્સના ડબ્બામાં ભરવામાં આવ્યો છે.’