મૃત્યુનું મુખ્ય કારણ ઓછું વજન અને પ્રી-મૅચ્યોર ડિલિવરી: ડૉક્ટર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણે જિલ્લામાં આવેલા કલવા ખાતેની કલવા હૉસ્પિટલ તરીકે ઓળખાતી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં ૨૧ નવજાત બાળકોનાં મૃત્યુ થવા બાબતનો રિપોર્ટ વિધાનસભામાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલે રજૂ કર્યા બાદ આ બાબતે સરકારની ટીકા થઈ રહી છે. હૉસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં નવજાત બાળકોના જીવ જઈ રહ્યા હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. વિધાનસભામાં ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે આ મામલે બે દિવસમાં તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હૉસ્પિટલના ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ડૉ. જયેશ પનોતે ગઈ કાલે કહ્યું હતું કે ‘જીવ ગુમાવનારાં ૧૫ બાળકોનો અહીં જન્મ થયો હતો અને બાકીનાં ૬ને બીજી હૉસ્પિટલમાંથી અહીં લાવવામાં આવ્યાં હતાં. મૃત્યુના કારણની તપાસમાં જણાયું છે કે ઓછા વજન અને પ્રી-મૅચ્યોર ડિલિવરીને કારણે આ નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા છે.’
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પણ ૨૪ કલાકમાં કલવા હૉસ્પિટલમાં ૧૮ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હૉસ્પિટલની મુલાકાત લઈને સારવારની સુવિધામાં સુધારો કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાનના આદેશ બાદ પણ કલવા હૉસ્પિટલમાં કોઈ સુધારો ન થયો હોવાનું નવજાત બાળકોનાં મૃત્યુ થવાથી લાગી રહ્યું છે એવો આરોપ વિરોધ પક્ષો કરી રહ્યા છે.