કોરોનાના વધી રહેલા કેસ અને નિયંત્રણોની પરવા કર્યા વિના શનિવારે લાખો લોકોએ ‘જયસ્તંભ’ સ્મારક પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
ફાઈલ તસવીર
કોરોનાના વધી રહેલા કેસ અને નિયંત્રણોની પરવા કર્યા વિના શનિવારે લાખો લોકોએ કોરેગાવ-ભીમા યુદ્ધને ૨૦૪ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે પુણે જિલ્લાના ‘જયસ્તંભ’ સ્મારક પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પેર્ણે ગામમાં આવેલા જયસ્તંભને મહાર રેજિમેન્ટના ચિહનથી સુશોભિત કરાયું હતું.
દલિત વૃત્તાંત અનુસાર જયસ્તંભ જ્ઞાતિવાદ સામેના વિજયનું પ્રતીક છે, કારણ કે ૧૮૧૮ની પહેલી જાન્યુઆરીએ કોરેગાવ-ભીમા ખાતે પેશ્વા સામે લડનારા બ્રિટિશ સૈન્યમાં દલિત મહાર સમુદાયના સૈનિકો વ્યાપક સંખ્યામાં હતા જેમણે જ્ઞાતિથી બ્રાહ્મણ એવા પેશ્વાઓના જ્ઞાતિવાદ સામે સ્વતંત્રતાનું યુદ્ધ છેડ્યું હતું. બ્રિટિશરોએ ઈસવી સન ૧૮૧૮ના યુદ્ધમાં પેશ્વા સામે લડનારા સૈનિકોની સ્મૃતિમાં આ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું.
બપોર સુધી જયસ્તંભની મુલાકાતે આવનારા લોકોની સંખ્યા સતત વધતી રહી હતી. આશરે ૨૦૦ જેટલી બસો બપોર સુધીમાં પુણેથી કોરેગાવ-ભીમા આવી પહોંચી હતી. સવારથી લાખો લોકો શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યા છે. વિવિધ સ્થળોએ ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે એમ પુણે રૂરલના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અભિનવ દેશમુખે જણાવ્યું હતું.
આ ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલ, સામાજિક કલ્યાણ પ્રધાન ધનંજય મુંડે, ઊર્જાપ્રધાન નીતિન રાઉત, સંસદસભ્ય અમોલ કોલ્હે સહિતના નેતાઓએ શનિવારે જયસ્તંભની મુલાકાત લીધી હતી.