ઝવેર રોડ પર આવેલી એસબીઆઇની બ્રાન્ચમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલી આપતાં પહેલાં ફૉર્મમાં નામ અને ફોન-નંબર લખીને સહી કરવાની હતી : બૅન્કનું કહેવું હતું કે ટોકન માટે આ માહિતી લેવામાં આવી રહી છે
ગુલાબ સિંહ, વિકાસ કારિયા
રિઝર્વ બૅન્કની જાહેરાત બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા ૨,૦૦૦ની નોટ બદલવાને લઈને સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો કે ૨,૦૦૦ રૂપિયા ડિપોઝિટ કરવા કે પછી બદલવા માટે કોઈ ફૉર્મ અથવા સ્લિપ ભરવાની જરૂર રહેશે નહીં. આનો અર્થ એ છે કે એસબીઆઇની કોઈ પણ શાખામાં કોઈ પણ ફૉર્મ ભર્યા વિના સરળતાથી નોટ બદલી આપવામાં આવશે. જોકે મુલુંડ-વેસ્ટમાં ઝવેર રોડ પર એસબીઆઇની શાખામાં ગઈ કાલે નોટ બદલવા માટે આવતા ગ્રાહકો પાસેથી ફૉર્મ ભરાવવામાં આવ્યું હતું. એમાં તેમનું નામ, ફોન-નંબર અને સહી લેવામાં આવતી હતી જેનો લોકોએ વિરોધ કર્યો હતો.
ઝવેર રોડ પર આવેલી એસબીઆઇમાં નોટ બદલવા આવેલા ગુલાબ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને મારા માલિકે ૨,૦૦૦ રૂપિયાની નોટ પગારમાં આપી હતી. એ બદલવા માટે હું બૅન્કમાં આવ્યો હતો. બૅન્કમાં મારી પાસે ફૉર્મ ભરાવવામાં આવ્યું હતું. એમાં મારું નામ અને મોબાઇલ નંબર લખીને સહી કરવાની હતી. આ કાયદાની વિરુદ્ધ છે. અહીં આવતા તમામ લોકો પાસે ફૉર્મ ભરાવવામાં આવતું હતું.’
ADVERTISEMENT
આ જ બૅન્કમાં નોટ બદલવા આવેલા વિકાસ કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા આવ્યો ત્યારે મને બૅન્ક દ્વારા ફૉર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતુ. એમાં મારું નામ અને મોબાઇલ નંબર લખીને સહી કરવાની હતી. એસબીઆઇ તરફથી કોઈ પણ ફૉર્મ ભર્યા વગર નોટ બદલી કરી આપવાના આદેશનું આ બ્રાન્ચે પાલન કર્યું નહોતું.’
ઝવેર રોડ પર આવેલી એસબીઆઇ બૅન્કના અસિસ્ટન્ટ બ્રાન્ચ મૅનેજર વિકાસકુમાર સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નોટ બદલવા માટે અમે ફૉર્મ નથી ભરાવી રહ્યા. માત્ર ટોકન માટે તેમની માહિતી લેવામાં આવી રહી છે. એમાં તેમનું નામ અને ફોન-નંબર લઈ રહ્યા છીએ.’
જોકે ખાતેદારોનું કહેવું હતું કે ટોકન આપવા માટે કોઈ બૅન્ક ફૉર્મ ભરાવે એવું આજ સુધી નથી સાંભળ્યું.