આરોપી સીએસએમટીથી મસ્જિદ સ્ટેશન વચ્ચે જાતીય હુમલો કરીને ભાગી ગયો ઃ પોલીસે આઠ કલાકમાં જ કરી તેની ધરપકડ
ફાઇલ તસવીર
બુધવારે સવારે નવી મુંબઈ પરીક્ષા આપવા જવા માટે લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં ટ્રાવેલ કરી રહેલી ગિરગામની ૨૦ વર્ષની તરુણી પર જાતીય હુમલો થયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ૪૦ વર્ષના આરોપીને પોલીસે ઘટનાના આઠ કલાકમાં જ પકડી લીધો હતો. તરુણીએ સવારે સીએસએમટીથી બેલાપુરની ટ્રેન પકડી હતી. જેવી ટ્રેન શરૂ થઈ કે આરોપી એમાં દાખલ થયો હતો. એ સમયે ટ્રેનના ડબ્બામાં બીજું કોઈ નહોતું. રેલવે પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સવારે ૭.૨૬ વાગ્યે આરોપીએ સીએસએમટી અને મસ્જિદ સ્ટેશનની વચ્ચે તરુણીનું શારીરિક શોષણ કર્યું હતું. તરુણીએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું કે તરત જ તે મસ્જિદ સ્ટેશને ઊતરીને ભાગી ગયો હતો.’
આ ઘટના બાદ તરુણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના આધારે રેલવે પોલીસ, મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા કામે લાગી હતી અને મસ્જિદ સ્ટેશનના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયા બાદ આરોપીની ઓળખ કરીને સાંજે ચાર વાગ્યે તેને પકડી પાડ્યો હતો. આરોપી એક લેબર છે. પોલીસ આ કેસની વધુ તપાસ અત્યારે કરી રહી છે.