મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં કરવામાં આવી પડકારજનક સર્જરી
વસઈમાં રહેતા ૨૦ મહિનાના બાળકની કપાયેલી આંગળી ફરી જોડવામાં આવી
વસઈમાં રહેતા ૨૦ મહિનાના બાળકના જમણા હાથના અંગૂઠાની બાજુની આંગળી કપાઈ ગઈ હતી. બાળકને ખૂબ દુખતું હોવાથી તે રડતું હતું. એથી મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ, પ્લાસ્ટિક હૅન્ડ ઍન્ડ માઇક્રોસર્જ્યન ડૉ. સુશીલ નેહતે અને કન્સલ્ટન્ટ, પ્લાસ્ટિક રીકન્સ્ટ્રક્શન ઍન્ડ ઍસ્થેટિક સર્જ્યન ડૉ. પ્રતાપ નાડરે પ્લાસ્ટિક સર્જરી દ્વારા આંગળીને ફરી જોડવામાં સફળતા મેળવી હતી અને બાળકે પણ રાહત અનુભવી હતી.
આ બાળકે તેનો જમણો હાથ ટેબલ-ફૅનમાં નાખતાં તેની એ હાથની એક આંગળી કપાઈ ગઈ હતી. બાળકનાં માતા-પિતાનું ધ્યાન જતાં તેમણે તરત જ કપાયેલી આંગળી ઉપાડી એને સ્વચ્છ રૂમાલમાં લપેટીને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી. એની સાથે બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક વૉકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉ. પ્રતાપ નાડરે જણાવ્યું હતું કે ‘બાળકની આંગળી કપાઈ જતાં લોહી વહેવા લાગ્યું હતું. એથી તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકના જમણા હાથની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેની તબિયત લથડી ગઈ હતી. એથી તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ માતા-પિતાની સંમતિથી બાળકની સર્જરી કરવામાં આવી હતી અને કપાયેલી આંગળીને ફરી જોડવામાં આવી હતી. આ સર્જરી ત્રણ કલાક ચાલી હતી. બાળકને સર્જરીના ત્રણ દિવસ પછી રજા આપવામાં આવી હતી. હવે બાળકે રિકવરી કરી છે અને તે આ આંગળીનો ઉપયોગ ખાવા, વસ્તુઓ ઉપાડવા અને પકડવા જેવી તમામ પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે.’
ADVERTISEMENT
પોતાની લાગણી વ્યક્ત કરતાં બાળકની મમ્મીએ કહ્યું હતું કે ‘મારા બાળકની આંગળી કપાઈ જતાં તે ખૂબ રડવા લાગ્યું હતું. કપાયેલી આંગળી જોઈને અમે પણ બહુ ગભરાઈ ગયા હતા. જોકે અમે કપાયેલી આંગળી લઈને સમયસર હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. યોગ્ય સમયે સારવાર કરીને વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમે આંગળીને ફરી જોડી દીધી હતી. આ માટે હું ડૉક્ટરો અને ભગવાનનો આભાર માનું છું.’
આવો બનાવ બને તો શું કરવું?
વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉ. સુશીલ નેહતેએ આ વિશે વધુમાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બાળકોમાં પ્રત્યારોપણ સર્જરી કરવી ખૂબ જ પડકારજનક છે, કારણ કે હાથની આંગળીની સાઇઝ નાની હોય છે અને એને જૉઇન કરવા પહેલાં એ ભાગને સ્મૂધ કરવો જરૂરી હોય છે. ઘણી વખત બાળકો રમતાં હોય ત્યારે આવી ઘટના બને છે. આવી ઇમર્જન્સીમાં શું કરવું જોઈએ એ વિશે જાગરૂકતા લાવવી જરૂરી છે. જેમ કે કપાઈ ગયેલા ભાગને ફરી જોડવા માટે તાત્કાલિક હૉસ્પિટલમાં લાવવો જરૂરી છે. આ ભાગને ધોઈ, સ્વચ્છ રૂમાલમાં યોગ્ય રીતે લપેટીને અને પ્લાસ્ટિકની થેલીમાં બરફ નાખીને કન્ટેનરમાં લાવવો જોઈએ. કપાયેલા ભાગને ખુલ્લા હાથે સ્પર્શ કરવો નહીં. જો સમયસર સારવાર કરવામાં આવે તો કપાયેલી આંગળીને ફરીથી જોડી શકાય છે. આ બાળકને સમયસર હૉસ્પિટલમાં લાવવામાં આવ્યું હોવાથી અમે તેની આંગળી બચાવી શક્યા હતા. જો હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી ન હોત તો બાળક તેની આંગળી ગુમાવી બેઠું હોત. આવી ઘટનાઓથી બાળકોને બચાવવા માટે માતા-પિતાએ સતર્ક રહેવાની જરૂર છે.’