એક ચોર ભાઈંદરમાં અને બીજો ઉલ્હાસનગરમાં વૉચમૅનનું કામ કરતો હતો
થાણે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી જપ્ત કરેલી માલમતા.
થાણે-વેસ્ટના ચરઈ વિસ્તારમાં આવેલી ૧૪ દુકાનોનાં શટર તોડીને એક જ રાતમાં લાખો રૂપિયાની માલમતા ચોરી કરનાર મહંત કામી અને વિષ્ણુ કામીની થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમે સોમવારે ધરપકડ કરી હતી. મોટા ભાગના ગુજરાતી વેપારીઓની દુકાનનાં શટર તોડી ૧૨ માર્ચની મધરાતે બન્ને આરોપીઓએ એક પછી એક ચોરીને અંજામ આપ્યો હતો જેની પ્રાથમિક તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચે દુકાનોમાં અને રોડ પર લાગેલા આશરે ૧૦૦થી વધારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજોની ઝીણવટભરી તપાસ કરી આરોપીઓની ભાઈંદરમાંથી ધરપકડ કરી હતી. બન્ને આરોપી પર મુંબઈ, થાણેનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ચોરીના ગુનાઓની નોંધ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરીની ઘટનાની નોંધ થતાં જ અમે જે દુકાનોમાંથી ચોરી થઈ હતી ત્યાંના અને થાણે ચરઈ વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજો કબજે કર્યાં હતાં જેમાં અમને બે શંકાસ્પદ આરોપીઓ દેખાયા હતા એટલે અમે તેઓની મૂવમેન્ટ તપાસવા માટે જે-જે વિસ્તારમાં તેઓ ગયા એ તમામ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજો તપાસ્યાં હતાં. અંતમાં તેઓ એક રિક્ષામાંથી ભાઈંદર ઊતર્યા હોવાની માહિતી અમને મળતાં અમે એ વિસ્તારમાં તપાસ કરી મહંત કામી સુધી પહોંચ્યા હતા જે ભાઈંદરના એક બિલ્ડિંગમાં વૉચમૅનનું કામ કરતો હતો. તેને તાબામાં લઈ અમે ઉલ્હાસનગરમાં વૉચમૅનની નોકરી કરતા વિષ્ણુ સુધી પહોંચ્યા હતા. બન્ને આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી. આરોપી પર આ પહેલાંના ચોરીના ૧૦થી વધારે ગુનાઓની નોંધ હોવાની માહિતી સામે આવી છે. આરોપી પાસેથી અઢી લાખ રૂપિયાની માલમતા કબજે કરવામાં આવી છે.’

