ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કુલ ૧૯ લોકોને બચાવવામાં આવ્યા છે તેમ જ ૧૭ને સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે
નાશિકની જિન્દલ કંપનીમાં આગ
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના મુંઢેગાવમાં આવેલી કેમિકલ ફૅક્ટરીના બોઇલરમાં વિસ્ફોટ થયા બાદ લાગેલી આગમાં એક વ્યક્તિ મરણ પામી હતી તેમ જ ૧૭ ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી ચારની હાલત ગંભીર છે. આ આગ ઇગતપુરી તાલુકામાં આવેલી જિન્દલ પોલી ફિલ્મ્સ ફૅક્ટરીમાં લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે એની આસપાસનાં ગામોમાં પણ સંભળાયો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કેટલાક મજૂરો હજી પણ આગમાં સપડાયેલા છે તેમ જ તેમને બચાવવાનું કામ ચાલુ છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કુલ ૧૯ લોકોને બચાવવામાં આવ્યા છે તેમ જ ૧૭ને સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. નાશિકના દેવલાલીમાં આવેલા ઍરફોર્સ સ્ટેશનને બચાવ માટે હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરવા પણ જણાવાયું હતું. સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ સવારે ૧૧.૩૦ વાગ્યે થયો હતો. નવું વર્ષ હોવાથી કેમિકલ યુનિટમાં ઓછી હાજરી હતી. વિસ્ફોટ બાદ લાગેલી આગને કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું.