એમ. એમ. મીઠાઈવાલા સહિત ૧૯ દુકાનો તોડી પડાઈ
ગઈ કાલે સવારે મલાડ (વેસ્ટ)માં સ્ટેશનની સામે આવેલી એમ.એમ.મીઠાઈવાલા સહિતની એ લાઇનમાં આવેલી ૧૯ દુકાનો પર બીએમસીએ હથોડો ફેરવ્યો હતો. સૈયદ સમીર અબેદી
મુંબઈ ઃ મલાડ-વેસ્ટમાં સ્ટેશનની બહારના આનંદ રોડ પર ગઈ કાલે બીએમસીના ‘પી’ નૉર્થ વૉર્ડે રસ્તો પહોળો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને રસ્તો પહોળો કરવામાં બાધારૂપ બનતી ૧૯ દુકાનોને તોડી પાડી હતી. એમાં મલાડની પ્રખ્યાત એમ. એમ. મીઠાઈવાલાની દુકાનનો પણ સમાવેશ હતો.
મલાડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર સાંકડા રોડ પર અનેક રિક્ષાઓ લાઇન લગાડીને ઊભી રહે છે અને બસ પણ ત્યાંથી પસાર થાય છે. એમાં વળી ફેરિયાઓ પણ બેઠેલા હોય છે. જોકે આટલી બધી મુશ્કેલીઓમાં વધુ એક મુશ્કેલી એ હતી કે સ્ટેશન સામે આવેલી એમ. એમ. મીઠાઈવાલા સહિતની ખાણી-પીણીની અન્ય દુકાનોને કારણે અનેક લોકો ત્યાં જ ઊભાં-ઊભાં નાસ્તો કરતા હતા એને કારણે સમસ્યા વધુ વકરતી હતી.
બીએમસી આનંદ રોડને ૧૩.૪૦ મીટર જેટલો પહોળો કરવાની છે. એ રોડ પહોળો કરવામાં કુલ ૧૯૯ સ્ટ્રક્ચર અંતરાયરૂપ બની રહ્યાં છે. ગઈ કાલે બીએમસીના ઝોન-૬ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકરરાવ અને અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરની દોરવણી હેઠળ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં બીએમસીના ૧૫ એન્જિનિયરની ટીમે ૪ પોકલેન, બે જેસીબી અને ૪૦ જેટલા મજૂરો સાથે પહેલા ફેઝની ૧૯ દુકાનો તોડી પાડી હતી. વર્ષોથી જામેલી આ દુકાનો તૂટી પણ શકે ખરી એ વાતનું અચરજ થતાં અનેક મલાડવાસીઓએ આ ઘટનાને મોબાઇલમાં કેદ કરી લીધી હતી.