જાળમાં ફસાયેલી કિશોરી પર પાંચ લોકોએ ગૅન્ગ-રેપ કર્યો: પોલીસે ત્રણ સગીર સહિત છ આરોપીની ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : પાલઘરના સાતપાટી ગામના યુવાન અને તેના મિત્રો દ્વારા ૧૬ વર્ષની સગીરાને અવાવરું બંગલામાં અને ત્યાર બાદ બીચ પર લઈ જઈને તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટના તાજી છે ત્યારે એવી જ એક અન્ય ઘટના એનએમજોશી માર્ગ પોલીસ-સ્ટેશનની હદમાં બની છે. એનએમજોશી માર્ગ પોલીસે આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી ત્રણ આરોપીઓ સગીર વયના છે. એનએમજોશી માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ ચંદ્રમોરેએ વિગતો આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉપરોક્ત ઘટના ગુરુવારે રાતે વરલીમા થઈ હતી. સગીરા તેના ફ્રેન્ડ સાથે ગઈ હતી અને પછી ફ્રેન્ડ અને તેના પાંચ મિત્રોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મળી છે. અમે એ આરોપી જેમાં ૩ સગીરવયના છે એ તમામની ધરપકડ કરી તેમની સામે બળાત્કાર સહિત અન્ય કલમો તેમ જ પોક્સો હેઠળ પણ ગુનો નોંધ્યો છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.’
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે સગીરા અને તેના બૉયફ્રેન્ડના એક કૉમન ફ્રેન્ડનો બર્થ-ડે હોવાથી સગીરા તેના બૉયફ્રેન્ડ સાથે એક ચાલમાં ગઈ હતી. ત્યાર બાદ તેના પર પહેલાં બૉયફ્રેન્ડ અને ત્યાર બાદ તેના મિત્રો દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મોડી રાતે સગીરાના રડવાનો અવાજ સાંભળી ચાલના રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આરોપી બૉયફ્રેન્ડની ધરપકડ કરી હતી. કુલ ૬માંથી ૩ આરોપી પુખ્ત હોવાથી તેમને કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેમને ૩૦ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી, જ્યારે ૩ સગીર આરોપીઓને ડોંગરીના બાળસુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.