અકસ્માત થયો હોવાનો કૉલ કરીને ૧૫,૦૦૦ રૂપિયા પડાવ્યા
વિધાનસભ્ય દત્તાત્રય ભરણે
પુણે જિલ્લાની ઇન્દાપુર બેઠકના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય દત્તાત્રય ભરણેને ગઈ કાલે અજબ અનુભવ થયો હતો. એક વ્યક્તિએ તેમને કૉલ કરીને કહ્યું કે ‘ઇન્દાપુર તાલુકામાં ઍક્સિડન્ટ થયો છે, જેમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. તેમને હૉસ્પિટલમાં લઈ જવા માટે તાત્કાલિક ૧૫,૦૦૦ રૂપિયાની જરૂર છે. પ્લીઝ, ફોનપે કરો.’
ખરેખર ઍક્સિડન્ટ થયો હશે અને મદદની જરૂર હશે એમ માનીને વિધાનસભ્યએ તેમના પર્સનલ અસિસ્ટન્ટને જે નંબરથી ફોન આવ્યો હતો એમાં ૧૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે બાદમાં ખ્યાલ આવ્યો કે ઇન્દાપુરમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોય એવો કોઈ ઍક્સિડન્ટ જ નથી થયો. સાઇબર ગઠિયાઓ ઑનલાઇન ચીટિંગમાં સામાન્ય રીતે સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરતા હોય છે, પણ આ બનાવ પરથી જણાઈ આવ્યું છે કે તેઓ જનપ્રતિનધિઓને પણ છેતરી શકે છે.
ADVERTISEMENT
વિધાનસભ્ય દત્તાત્રય ભરણેએ કહ્યું હતું કે ‘જનતા મુશ્કેલીમાં હોય છે ત્યારે મોટા ભાગના જનપ્રતિનિધિઓ શક્ય એટલી મદદ કરે છે. આથી જ્યારે ઍક્સિડન્ટ થયો હોવાનો મને ફોન આવ્યો ત્યારે મેં તરત જ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સાઇબર ગઠિયાઓ હવે આવી રીતે પણ લોકોને છેતરી શકે છે એ ધ્યાનમાં આવ્યું. મારા ખ્યાલમાં આવ્યું છે કે મારી જેમ બીજા એક વિધાનસભ્ય પાસેથી પણ આવી જ રીતે રૂપિયા પડાવવામાં આવ્યા છે. કોઈને પણ આવી રીતે મદદ કરવાનો ફોન આવે ત્યારે સમજી-વિચારીને અથવા તપાસ કર્યા બાદ જ મદદ કરવી, જેથી કોઈ છેતરી ન શકે.’