નદીમાં પૂર આવતાં પાણીની સપાટીમાં વધારો થવાથી NDRFની ટીમે ટ્યુબ બોટમાં બેસાડીને ઉગાર્યા
વસઈના ઉસગાંવ નાકા પાસેથી લોકોને બચાવવામાં આવ્યા હતા.
થાણે જિલ્લામાં શનિવાર રાતથી ભારે વરસાદ પડ્યો હતો, જેને લીધે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. શહાપુર તાલુકાના વાશિંદમાં આવેલી ભાત્સા નદીમાં પાણીની સપાટીમાં વધારો થતાં નદીકાંઠા પાસેના સૃષ્ટિ ફાર્મમાં ૧૫૦ પર્યટકો ફસાઈ ગયા હતા. તેમને નૅશનલ ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ (NDRF)ની ટીમે સ્થાનિક લોકોની મદદથી ટ્યુબ બોટમાં બેસાડીને ઉગાર્યા હતા. આવી જ રીતે ભારે વરસાદને પગલે પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં આવેલા ચાલીસપાડા ગામ અને ઉસગાંવ નાકામાં વરસાદનું પાણી ભરાઈ જતાં અહીંના રહેવાસીઓને NDRF અને ફાયર-બ્રિગેડના જવાનોએ બચાવ્યા હતા. લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે નજીકની તાનસા નદીમાં પૂર આવતાં પાણી ખેતરોમાં ભરાઈ જતાં તેઓ અટવાઈ ગયા હોવાનું પાલઘર જિલ્લાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે કહ્યું હતું.
ચોમાસામાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ૩૦થી ૩૫ જવાનની એક એવી ૧૩ ટીમ તહેનાત કરવામાં આવી છે. ગઈ કાલે ભારે વરસાદ થતાં થાણે અને પાલઘર જિલ્લામાં તહેનાત કરવામાં આવેલી ટીમોએ બચાવકામ કર્યું હતું.