સ્ટેશનની સુંદરતામાં વધારો કરવા, ક્રૉસ-પૉલિનેશનને પ્રોત્સાહન આપવા અને જે-તે વિસ્તારનું તાપમાન જાળવવા માટે આ પહેલ શરૂ કરાઈ
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેએ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેઓ ૧૫ સ્ટેશનમાં વર્ટિકલ ગાર્ડન વૉલ્સ ઊભી કરશે જેથી સ્ટેશન વધુ સુંદર લાગે. મુખ્ય અને હાર્બર લાઇન પરનાં સ્ટેશનોમાં સુશોભિત છોડ મૂકવાની યોજના છે, જેની નિયમિત જાળવણી કરવામાં આવશે.
આ વર્ટિકલ ગાર્ડન માટે નક્કી કરેલાં રેલવે સ્ટેશનો વિદ્યાવિહાર, સૅન્ડહર્સ્ટ રોડ, વડાલા, કુર્લા, પરેલ, માટુંગા, દિવા, મુમ્બ્રા, શહાડ, ટિટવાલા, ઇગતપુરી, ચિંચપોકલી, કાંજુરમાર્ગ, વિક્રોલી અને ભાયખલા છે. એક વાર કૉન્ટ્રૅક્ટ અપાયા બાદ આશરે ૧૪.૭૨ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨ મહિનામાં ગાર્ડનને વિકસાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બ્યુટિફિકેશન અમૃત ભારત સ્ટેશન અપગ્રેડ સ્કીમનો એક ભાગ છે, જેની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
‘ગ્રીન મૅન ઑફ મુંબઈ’ તરીકે ઓળખાતા સુભાજિત મુખરજીએ જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ સારી પહેલ છે. મુંબઈમાં વૃક્ષો વાવવા માટે જમીન ઓછી છે એવામાં આ વર્ટિકલ ગાર્ડન્સ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મુંબઈમાં જરૂરિયાત હોય એવાં વિશિષ્ટ અને મહત્ત્વનાં વૃક્ષોને શૉર્ટલિસ્ટ કરવાનો પ્લસ પૉઇન્ટ છે. એવાં વૃક્ષો જે સરળતાથી નાની જગ્યામાં વિકસી શકે.’
સુભાજિત મુખરજી માઝી વસુંધરાના ઍમ્બૅસૅડર છે જેમણે મિશન ગ્રીન મુંબઈ પહેલ હેઠળ ૬૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં છે. તેમના મતે પક્ષી, પતંગિયાં અને મધમાખીને આકર્ષી શકે એવા છોડનું સંયોજન ક્રૉસ-પૉલિનેશનમાં પણ મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે ‘વર્ટિકલ ગાર્ડનને ઓછી જગ્યાની જરૂર પડે છે અને એ કોઈ પણ પ્રકારના આકાર અને બંધારણમાં ફિટ થઈ શકે છે. એનો સૌથી મોટો ફાયદો જળ-સંરક્ષણનો છે. એ વિસ્તારના ભેજને મેઇન્ટેઇન કરે છે અને કૉન્ક્રીટિંગના કારણે થતી અર્બન હીટ આઇલૅન્ડ ઇફેક્ટને નિયંત્રિત કરે છે. ઇમારત અને આસપાસની સપાટીનું તાપમાન પણ બૅલૅન્સ કરે છે.’
આની સાથે સેન્ટ્રલ રેલવેએ શહેરનાં ૪૦ ઉપનગરીય અને બિનઉપનગરીય સ્ટેશનોની આસપાસ ૧૦૦થી વધુ સ્થળોએ જ્યાં જમીન અવલેબેલ છે ત્યાં સુશોભિત છોડ અને રોપાને વાવવાનું આયોજન કર્યું છે. આ આઇડિયાથી એ જગ્યાની સુંદરતા તો વધે જ છે, ઉપરાંત એ જગ્યા અતિક્રમણથી પણ બચે છે. આ માટે સેન્ટ્રલ રેલવે ઑથોરિટીએ રેલવે સ્ટેશનને સુંદર બનાવવા માટે એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને કૉર્પોરેટરનો સંપર્ક કર્યો છે.