BJPએ વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને બનાવ્યાં ઑબ્ઝર્વર
દેવેન્દ્ર ફડણવીસ
જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી એ મુખ્ય પ્રધાનપદ માટેના નેતાની નિમણૂક કરવાની પ્રક્રિયાની આખરે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ગઈ કાલે શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના નવા મુખ્ય પ્રધાન ગુરુવારે શપથ ગ્રહણ કરવાના છે પણ એ કોણ હશે એને લઈને હજી સસ્પેન્સ કાયમ છે. જોકે BJPનાં જ સૂત્રોનું હવે કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે, પણ એના માટેની પાર્ટીમાં જે પ્રક્રિયા છે એ પૂરી થયા બાદ જ તેમના નામની જાહેરાત કરવામાં આવશે. આમ છતાં રાજકારણમાં જ્યાં સુધી શપથવિધિ ન થાય ત્યાં સુધી કંઈ પણ ફેરબદલ થવાની શક્યતાઓ રહેલી હોય છે.
BJPએ ગઈ કાલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબના પ્રભારી વિજય રૂપાણી અને દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની સેન્ટ્રલ ઑબ્ઝર્વર તરીકે નિમણૂક કરી હતી. આવતી કાલે સવારે ૧૦ વાગ્યે તેમની હાજરીમાં BJPના ૧૩૨ વિધાનસભ્યો તેમના નેતાને સિલેક્ટ કરશે.
ADVERTISEMENT
BJPના એક નેતાએ કહ્યું હતું કે ‘વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ પાર્ટીના વિધાનસભ્યોને મુંબઈમાં મળશે. ત્યાર બાદ વિધાનસભ્યોની મીટિંગમાં નેતાનું નામ નક્કી કરવામાં આવશે જે દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જણાવવામાં આવશે. ત્યાર બાદ આ બન્ને ઑબ્ઝર્વર પાર્ટીના નેતાનું નામ જાહેર કરશે અને તે રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે.’
આ બધી પ્રક્રિયાઓ પૂરી થઈને નવા મુખ્ય પ્રધાનનું નામ આવતી કાલે સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેર થવાની શક્યતાઓ છે. ત્યાર બાદ ગુરુવારે સાંજે આઝાદ મેદાનમાં શપથવિધિ યોજાશે.