પહેલા દિવસે ૫૯૫ પ્રવાસીઓ વિધાઉટ ટિકિટ પ્રવાસ કરતાં પકડાયા હતા જ્યારે બીજા દિવસે એ આંકડો ૬૭૮નો હતો.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેએ શુક્રવારે અને શનિવારે એમ બે દિવસ ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં ખુદાબક્ષોને પકડવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પીક-અવર્સમાં આયોજિત કરાયેલી આ સ્પેશ્યલ ડ્રાઇવમાં બે દિવસમાં ૪ લાખ રૂપિયા કરતાં વધુનો ફાઇન ખુદાબક્ષો પાસેથી વસૂલવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન રેલવેએ જણાવ્યા અનુસાર આ બન્ને દિવસ મળીને ૧૨૭૩ ખુદાબક્ષ મુસાફરોને પકડવામાં આવ્યા હતા. આ સ્પેશ્યલ ડ્રાઇવની વિશેષતા એ હતી કે સવારના અને સાંજના બન્ને વખતના પીક-અવર્સમાં એ હાથ ધરવામાં આવી હતી જ્યારે ટ્રેનમાં ભારે ભીડ હોય છે. રેલવેનું માનવું હતું કે પીક-અવર્સની ગિરદીનો લાભ લઈને અનેક ખુદાબક્ષ મુસાફરો આ સમયે AC ટ્રેનમાં ટ્રાવેલ કરે છે તેમને પકડવામાં આવે. પહેલા દિવસે ૫૯૫ પ્રવાસીઓ વિધાઉટ ટિકિટ પ્રવાસ કરતાં પકડાયા હતા જ્યારે બીજા દિવસે એ આંકડો ૬૭૮નો હતો. હાલમાં રોજની ૭૯ AC ટ્રેન દોડે છે અને એમાં દરરોજ સરેરાશ ૧.૫ લાખ લોકો પ્રવાસ કરે છે.