Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે એકનાથ શિંદેના મંત્રીએ નવા વટાણા વેર્યા

હવે એકનાથ શિંદેના મંત્રીએ નવા વટાણા વેર્યા

28 April, 2023 11:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન બદલાવાની અટકળો વચ્ચે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ઠાકરે જૂથના ૧૩ અને એનસીપીના ૨૦ વિધાનસભ્યો તથા કૉન્ગ્રેસના વરિષ્ઠો મુખ્ય પ્રધાનના સંપર્કમાં હોવાનું કહ્યું

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે


રાજ્યમાં મુખ્ય પ્રધાન બદલવાની અટકળો લગાવાઈ રહી છે ત્યારે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૩ અને એનસીપીના ૨૦ વિધાનસભ્યો તથા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંપર્કમાં છે. ઉદય સામંતના આ નિવેદનથી રાજ્યમાં ફરી રાજકીય ધરતીકંપ આવવાની ચર્ચા શરૂ થઈ છે. ઉદય સામંતના દાવાને માની લઈએ તો એકનાથ શિંદે મહાવિકાસ આઘાડીમાં સામેલ નેતાઓને પોતાના પક્ષે કરવાના પ્રયાસ કરી રહ્યા હોવાની શક્યતા છે.


એક મરાઠી ન્યુઝચૅનલના પત્રકારે ગઈ કાલે રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતને પૂછ્યું હતું કે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારની ઘટના બાદ મુખ્ય પ્રધાન બદલવાની ચર્ચા થઈ છે. એના જવાબમાં ઉદય સામંતે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે સાથેના ૧૩ વિધાનસભ્ય એકનાથ શિંદેના સંપર્કમાં છે. એટલું જ નહીં, એનસીપીના ૨૦ વિધાનસભ્ય અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંપર્કમાં છે. એકનાથ શિંદે બુધવારે મહાબળેશ્વરમાં હતા ત્યારે કૉન્ગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમની મુલાકાત લીધી હતી.’



સંજય રાઉત પર નિશાન તાકતાં ઉદય સામંતે કહ્યું હતું કે ‘સંજય રાઉત દુનિયાના સૌથી હોશિયાર અને વિદ્વાન છે. આથી તેમના વિશે કંઈ કહેવાનું બંધ કરી દીધું છે. તેમની સામે દુનિયાનો એક પણ વિદ્વાન ટકી ન શકે. ભારતના તમામ વિદ્વાનોના તેઓ પિતામહ બની ગયા છે. સૌથી વધુ અક્કલ તેમની પાસે છે તો તેમના વિશે હું શું બોલું.’


મોહન ભાગવત પ્રેરણા અને શક્તિના સ્રોત

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે આરએસએસના વડા મોહન ભાગવતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ પ્રેરણા અને શક્તિના સ્રોત છે તથા સમાજમાં સારું કામ કરનારાઓને કાયમ સહયોગ કરે છે. નાગપુરમાં નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના ઉદઘાટન વખતે મોહન ભાગવત, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની હાજરીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આવું નિવેદન કર્યું હતું.


મુખ્ય પ્રધાને મોહન ભાગવતની પ્રશંસા કરવાની સાથે આરએસએસના વિચારક ડૉ. આબાજી થટ્ટેના વિચારોથી પ્રભાવિત થઈને કહ્યું હતું કે ‘તેમની પ્રેરણાથી આજે નાગપુરમાં કૅન્સર સેન્ટર શરૂ થઈ રહ્યું છે. આજે આપણા માટે હેલ્થકૅર સિસ્ટમ અને કૅન્સર સૌથી મોટો પડકાર છે. ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કૅન્સરના દરદીઓ છે. દર વર્ષે ૧.૨૫ લાખ લોકોને કૅન્સરની બીમારી લાગુ પડી રહી છે. આમાંથી ૩૦થી ૪૦ ટકા લોકો મૃત્યુ પામે છે. આ ક્ષેત્રમાં સરકાર પડકારોને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહી છે. થાણેમાં પણ ટૂંક સમયમાં જ કૅન્સર હૉસ્પિટલની શરૂઆત થઈ જશે.’

અજિત પવારે ઉદ્ધવની હવા કાઢી

રત્નાગિરિમાં રાજાપુર ખાતેના બારસુમાં રિફાઇનરીનું સર્વેક્ષણ શરૂ થયું છે એનો ઉદ્ધવ ઠાકરે જોરદાર વિરોધ કરી રહ્યા છે ત્યારે અજિત પવારના એક નિવેદને ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારી દીધી છે. વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘બારસુ રિફાઇનરી બાબતે શરદ પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે ચર્ચા કરી છે. ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે પણ પવારસાહેબની મુલાકાત લીધી છે. એનસીપીની ભૂમિકા સ્પષ્ટ છે. અમારો પક્ષ વિકાસને આડે નહીં આવે, પણ વિકાસ કરતી વખતે પર્યાવરણને નુકસાન ન થાય એની કાળજી લેવી જોઈએ એવા મતનો છે. ભૂતકાળમાં એનરોન પ્રોજેક્ટનો વિરોધ કરાયો હતો. બીજેપી શિવસેના બાદમાં આ પ્રોજેક્ટ લાવી હતી. સમૃદ્ધિ હાઇવેનો પણ વિરોધ થયેલો, પણ લોકોને યોગ્ય વળતર આપવાથી અડચણ દૂર થઈ હતી. આવી જ રીતે બારસુ પ્રોજેક્ટમાં પણ સરકારે કરવું જોઈએ. કોંકણના કુદરતી વાતાવરણને અસર ન પહોંચતી હોય તો પ્રોજેક્ટ સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. લોકોની આ બાબતની ગેરસમજ દૂર કરવી જોઈએ.’

રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે

એનસીપીના ચીફ શરદ પવારે રાજકીય તોફાન આવી શકે છે એવું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘કોઈએ મને કહ્યું હતું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી જોઈએ. જો એમ ન કરીએ તો એ બળી જાય અથવા કડવી થઈ જાય. હવે સમય આવી ગયો છે રોટલી ફેરવવાનો. એમાં મોડું ન કરવું જોઈએ. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આગ્રહ કરું છું કે તેઓ આ કામ કરે.’

વિરોધ પક્ષના નેતા અજિત પવાર કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે ત્યારે શરદ પવારનું આ નિવેદન ઘણું કહી જાય છે. તેમના નિવેદન બાદ દાવો થઈ રહ્યો છે એનસીપીમાં મોટા ફેરફાર કરવાના સંકેત શરદ પવારે આપ્યા છે. અજિત પવાર પક્ષને પોતાના હાથમાં લેવા માગે છે ત્યારે તેમને બાજુએ રાખીને એનસીપીમાં પોતાની પકડ કાયમ રાખવા માટે શરદ પવારે પ્રયાસ શરૂ કરી દીધા છે. 

તમારી જેમ હું મારા કાકા પર ધ્યાન રાખીશ : અજિત પવારે આપ્યો રાજ ઠાકરેને જવાબ

એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ બુધવારે મરાઠી અખબાર ‘લોકમત’ના મહારાષ્ટ્રિયન ઑફ ધ યર પુરસ્કાર કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અજિત પવારને સલાહ આપતાં કહ્યું હતું કે તેમણે તેમના કાકા પર ધ્યાન રાખવું જોઈએ. અજિત પવારે ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે રાજ ઠાકરેએ જેવું તેમના કાકા બાળાસાહેબ ઠાકરેનું ધ્યાન રાખ્યું હતું એવું જ ધ્યાન હું મારા કાકા શરદ પવાર પર રાખીશ. એનસીપીમાં અત્યારે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પક્ષનું સુકાન હાથમાં લેવા માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને રાજ ઠાકરેએ અજિત પવારને કાકા શરદ પવારનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી.

અજિત પવારે રાજ ઠાકરેએ જેવી રીતે બાળાસાહેબ ઠાકરેનું ધ્યાન રાખ્યું હતું એવું ધ્યાન હું મારા કાકાનું રાખીશ એમ કહીને રાજ ઠાકરેને તેમની ભાષામાં જવાબ આપ્યો છે. રાજ ઠાકરે અને અજિત પવાર વચ્ચે શાબ્દિક દ્વંદ્વ પરિચિત છે. આ અગાઉ રાજ ઠાકરેએ મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે અજિત પવારને ટાર્ગેટ કર્યા હતા. એ સમયે પણ અજિત પવારે રાજ ઠાકરેને તેમની શૈલીમાં જવાબ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2023 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK