મુંબઈ સાઇબર સેલના આંકડા મુજબ આ વર્ષે નોંધવામાં આવેલી કુલ ફરિયાદમાંથી ૨૧.૫ ટકા જ ઉકેલી શકાઈ છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં સાઇબર ફ્રૉડના મામલામાં ગયા વર્ષ કરતાં ચારગણો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે સાઇબર ગઠિયાઓએ ૨૬૨ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. એની સામે આ વર્ષે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં ૧૦૧૨ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના માધ્યમથી વિવિધ બૅન્કો અને સરકારી કંપનીના અધિકારીઓ હોવાનો દાવો કરીને લોકોને ટ્રૅપમાં લેવામાં આવ્યા છે. મુંબઈ સાઇબર સેલના આંકડા મુજબ આ વર્ષે નોંધવામાં આવેલી કુલ ફરિયાદમાંથી ૨૧.૫ ટકા જ ઉકેલી શકાઈ છે અને ફ્રૉડમાં લોકો પાસેથી પડાવવામાં આવેલા રૂપિયામાંથી માત્ર ૧૨૯.૬ કરોડ રૂપિયા જ રિકવર કરવામાં આવ્યા છે અને ૨૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.