થાણે તરફના સંજય ગાંધી નૅશનલ પાર્કને લાગીને આવેલા યેઉરના જંગલમાં ૧૦ યુવાનોનું ગ્રુપ ગઈ કાલે ટ્રેકિંગ માટે ગયું હતું. તેમના પર મધમાખીના ઝુંડે હુમલો કરતાં તેમાંના ત્રણ યુવાનો ઘાયલ થયા હતા
મધમાખીના હુમલાનો ભોગ બનેલા યુવાનને ઊંચકીને નીચે લાવી રહેલો TDRFનો જવાન.
થાણે તરફના સંજય ગાંધી નૅશનલ પાર્કને લાગીને આવેલા યેઉરના જંગલમાં ૧૦ યુવાનોનું ગ્રુપ ગઈ કાલે ટ્રેકિંગ માટે ગયું હતું. તેમના પર મધમાખીના ઝુંડે હુમલો કરતાં તેમાંના ત્રણ યુવાનો ઘાયલ થયા હતા અને બધા યુવાનો જંગલમાં અટવાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થાણે વર્તકનગર પોલીસને થતાં તેમણે તરત જ પોતાની ટીમ મોકલી હતી પણ મધમાખીઓનો હુમલો હોવાથી થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (TDRF)ની મદદ માગવામાં આવી હતી. તેમણે આ યુવાનોને બચાવી હૉસ્પિટલ ભેગા કર્યા હતા.
આ રેસ્ક્યુ ઑપરેશન વિશે માહિતી આપતાં રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મધમાખીના હુમલાની આ ઘટના બપોરના ૧૨.૨૨ની આસપાસ બની હતી. યેઉરના ડુંગરાઓમાં એ યુવાનો ટ્રેકિંગ માટે ગયા અને ફસાઈ ગયા હતા. એમાં મધમાખી કરડતાં યુવાનો ગભરાઈ ગયા હતા. તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલનો સંપર્ક કરી મદદ માગી હતી. એથી અમારી થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના ૭ જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને એ યુવાનોને બચાવી લીધા હતા. ૩ યુવાનો જેમને મધમાખીઓ કરડી હતી તેમને ઊંચકીને નીચે લઈ આવ્યા અને ત્યાર બાદ તેમને ક્રિટિકૅર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.