મહારાષ્ટ્રમાં ૧૫ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (આરટીઓ)માંથી ૧૦માં અને ૩૫ ડેપ્યુટી આરટીઓમાંથી ૧૧ ઇન્ચાર્જ અધિકારીઓ વિનાની છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રમાં ૧૫ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (આરટીઓ)માંથી ૧૦માં અને ૩૫ ડેપ્યુટી આરટીઓમાંથી ૧૧ ઇન્ચાર્જ અધિકારીઓ વિનાની છે. એક ભૂતપૂર્વ અધિકારીએ આ સ્થિતિને ચિંતાજનક ગણાવી છે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક જગ્યાએ જુનિયર ઑફિસર્સને ખાલી જગ્યાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આરટીઓ અને ડેપ્યુટી આરટીઓ મહારાષ્ટ્ર મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે, જેનું નિયંત્રણ ટ્રાન્સપોર્ટ કમિશનરની ઑફિસ દ્વારા કરવામાં આવે છે. વાહનની નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન પરમિટ તથા અન્ય બાબતોની સાથે સંબંધિત કામ માટે દરરોજ હજારો લોકો મહારાષ્ટ્રમાં ૫૦ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસની મુલાકાત લે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ચાર્જ અધિકારીઓની ગેરહાજરી વિલંબનું કારણ બને છે. એના પરિણામરૂપે જનતાને અસુવિધા થાય છે અને ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ મહિનાથી ટ્રાન્સપોર્ટ પોર્ટફોલિયો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે છે.
અંધેરી (મુંબઈ-વેસ્ટ), વડાલા (મુંબઈ-ઈસ્ટ), પનવેલ, કોલ્હાપુર, નાશિક, ધુલે, ઔરંગાબાદ, નાગપુર રૂરલ, નાગપુર સિટી અને લાતુરમાં આરટીઓની જગ્યાઓ ખાલી છે. તાડદેવ (મુંબઈ સેન્ટ્રલ), થાણે, પુણે, અમરાવતી અને નાંદેડ ખાતેની કચેરીઓમાં ફુલ ટાઇમ ઇન્ચાર્જ ઑફિસર્સ છે.
ડેપ્યુટી આરટીઓ એ જ કચેરીમાં અથવા એ જ શહેરમાં નજીકની પ્રાદેશિક કચેરીમાં આરટીઓ પોસ્ટનો વધારાનો ચાર્જ સંભાળે છે, જ્યાં વૅકન્સી છે. ઔરંગાબાદ, નાગપુર રૂરલ અને લાતુરમાં અનુક્રમે જાલના, ગડચિરોલી અને ઉસ્માનાબાદની ડેપ્યુટી આરટીઓ ઑફિસમાં નિયુક્ત જુનિયર ઑફિસર્સને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. એ જ રીતે ૩૫ ડેપ્યુટી આરટીઓ કચેરીઓમાંથી ૧૧માં ફુલ ટાઇમ ઇન્ચાર્જ ઑફિસર્સ નથી એટલે અન્યને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કલ્યાણ, સિંધુદુર્ગ, બીડ, વર્ધા, હિંગોલી અને બારામતી જેવી ડેપ્યુટી આરટીઓ કચેરીઓમાં, સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી રૅન્કના જુનિયર અધિકારીઓને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.